Placeholder canvas

રાતાવીરડામાંથી ગુમ બાળકની લાશ કોલસાના ઢગલમાંથી મળી

રમતાં રમતાં દટાઇ જવાથી મોત થયાનું પ્રાથમિક તારણ

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલા કોલસાના કારખાનામાંથી બાળક ગુમ થતા બાળકના પિતાએ શોધખોળ ચલાવ્યા બાદ જે તે સમયે અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસ પણ અપહરણ થયાની શંકાએ ધંધે લાગી હતી. બાળક ગૂમ થયાના ત્રણ દિવસ બાદ તેનો મૃતદેહ કોલસાના ઢગ નીચેથી મળી આવતાં ફરી મર્ડરની આશંકાએ જોર પકડ્યું હતું, બાદમાં પોલીસ તપાસમાં બાળકનું કોલસાના ઢગલામાં દટાઈ જવાથી મોત થયાનું ખુલ્યું છે અને બાળકનો મૃતદેહ ટ્રકમાં કોલસા સાથે અન્ય કારખાનામાં મોરબીના ટીંબડી ગામ નજીકના કારખાનામાંથી મળી આવ્યો છે.

બનાવની મળેલ માહિતી મુજબ રાતાવીરડા ગામ નજીક શ્યામ કોલ નામના કારખાનામાં કામ કરતા પવન કૈલાશભાઈ નીંગવાલના પુત્ર રિતિક નામનો પાંચ વર્ષનો બાળક ગુમ થતા પિતાએ પોલીસમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને પગલે વાંકાનેર સીપીઆઈ , મોરબી એલ.સી.બી તેમજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી.

જેમાં કારખાનાના સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરતાં બાળક કોલસાના ઢગલામાં સુઇ ગયો હતો અને તે દરમ્યાન કોલસાનો વધુ જથ્થો તેના પર ધસી પડતાં દટાઇ જવાથી તેનું મોત નિપજ્યું હતુ. બાદમાં કોલસાનો જથ્થો અન્યત્ર ટ્રક મારફતે મોકલાયો ત્યાં જીણવટભરી તપાસ હાથ ધરતા મોરબીના ટીંબડી ગામ નજીકના કારખાનામાં પડેલા કોલસાના ઢગમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ કિસ્સામાં શરૂઆતમાં જે વાત સામે આવી રહી હતી એ બાળકનું અપહરણ પણ થયું ન હતું અને મર્ડર પણ થયું ન હતું પરંતુ કોલસો અન્યત્ર વહન કરવા જતાં બાળકનો મૃતદેહ પણ અન્ય કારખાનામાં પહોંચી ગયો હતો. કોલસો ભરાઇને ક્યા ક્યા કારખાનામાં પહોંચાડાયો તેની તપાસ કરતાં ટીંબડી નજીકના કારખાનામાંથી બાળકની લાશ મળી આવી હતી. અને તેના મોતનો ભેદ ઉકેલાયો હતો.

આ સમાચારને શેર કરો