skip to content

તરઘડી હત્યા પ્રકરણ: આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરાવ્યુ.

તરઘડી જૂના ગામમાં રહેતો ગૌતમ (23) ગઈ તા. 14નાં સોમવારે સવારે રાજકોટ જવાનું પરિવારજનોને કહી મિત્ર રાહુલ નાનજીભાઈ દાફડાનું બાઈક લઈ રવાના થયો હતો.ત્યારબાદ તેના પિતા જેન્તીભાઈએ તેને કોલ કરી કયારે ઘરે આવશે તેમ પુછતાં સાંજે સાતેક વાગે આવી જશે તેમ કહ્યું હતું.એટલું જ નહીં પોતાનું જમવાનું પણ તૈયાર રાખવાનું કહ્યું હતું.સાંજે સાત વાગે નાનાભાઈ ભાવેશે કોલ કરતા ગૌતમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.ત્યારબાદ પરિવારના સભ્યોએ મોડી રાત સુધી કોલ લગાડયા હતાં પરંતુ સંપર્ક થયો ન હતો.ગૌતમ ઘણી વખત ચોટીલા માતાજીના મંદિરે દર્શન કરવા જતો હોવાથી પરિવારના સભ્યો ચોટીલા પણ પહોંચ્યા હતાં.પરંતુ ત્યાંથી પણ પત્તો નહી લાગતા નિરાશ થઈ ગયા હતાં.

ગઈ તા. 15નાં રોજ પડધરી પોલીસને આ અંગે જાણ કર્યા બાદ ગઈ તા. 21નાં રોજ ગુમ થયાની વિધીવત જાહેરાત કરી હતી.પડધરી પોલીસે બનાવને ગંભીરતાથી લઈ ગૌતમના મોબાઈલની કોલ ડીટેલ કઢાવતા તે કુવાડવામાં રહેતી મધુ હેમાભાઈ ગોહેલ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.એટલું જ નહીં છેલ્લા કોલમાં પણ તેની સાથે વાત થયાનું ખુલતા પોલીસે મધુની અટકાયત કરી તેની ઘનીષ્ઠ પુછપરછ કરતા આખરે તેણે ગૌતમની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે,હત્યાનો ભોગ બનનાર ગૌતમ ગામમાં રહેતા શૈલેષ લક્ષ્મણભાઈ ઉર્ફે કાળુભાઈ જાપડાની પત્ની ભારતીને બે વર્ષ પહેલા ભગાડી ગયો હતો. 15 દિવસ બાદ બન્ને પરત આવી ગયા બાદ સમાજનાં આગેવાનોની મધ્યસ્થીથી બન્ને પરિવારો વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

આમ છતાં ગૌતમ ઉપર ખાર રાખી તેણે ભાઈ સાગર અને સાગરની પ્રેમીકા મધુની મદદથી ગૌતમની હત્યાનું કાવતરુ રચ્યું હતું.જેના ભાગરૂપે મધુએ ગૌતમનો સંપર્ક કરી તેને ફસાવ્યા બાદ રાજકોટ નજીકનાં ગૌરીદળ ગામની વીડીમાં મળવા બોલાવી ગૌતમ ત્યાં પહોંચ્યો ત્યારે જયાં અગાઉથી જ શૈલેષ અને તેનો ભાઈ સાગર હાજર હતાં.આ બન્ને ભાઈઓએ ગૌતમને પાઈપના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેની લાશ કોઈ વાહનમાં પોતાના ઘરે તરઘડી લઈ ગયા હતાં. જયાં પોતાનાં માલઢોર બાંધવાના વાડામાં લાશ દાટી દીધી હતી.

જયાંથી ગઈકાલે પડધરી પોલીસે જેસીબીથી લાશ બહાર કાઢી હતી.જેમાં તેમના પરિવારને બોલાવતા તેઓને મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.બાદમાં પોલીસે હત્યાનો ભોગ બનનાર ગૌતમનાં પિતા જેન્તીભાઈની ફરીયાદ પરથી ગુનો દાખલ કરી આરોપી શૈલેષ, સાગર અને મધુની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.ગૌતમના પિતાએ જણાવ્યું હતું કે જ્યારે સમાધાન થયું હતું ત્યારે પરિણીતાના પરિવારને રૂા.1.10 લાખ આપ્યા હતા.ગઈકાલે સાંજના સમયે પોલીસ બંદોબસ્ત સાથે ત્રણેયને સાથે રાખી ગવરીદડ અને તરઘડીમાં રિક્ધટ્રકશન કરવામાં આવ્યું હતું અને આજે સાંજે ત્રણેયને રિમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો