Placeholder canvas

ટંકારા ગ્રામપંચાયતમા જબરા રાજકીય ખેલ, હવે સરપંચે કુકરી ગાંડી કરી…

બબ્બે વખત બજેટ નામંજુર કરાવનાર વિરોધી જૂથના એક સભ્ય ગેરલાયક ઠેરવ્યા બાદ બીજા મહિલા સભ્યને ગેરલાયક ઠેરવવા નોટિસ

ટંકારા : ટંકારા તાલુકાની સૌથી મોટી ટંકારા ગ્રામ પંચાયતમાં સતાની સાઠમારીમા બે રાજકીય જૂથો એક બીજાને ભરી પીવા અવનવા કાવા દાવા કરી રહ્યા છે. સત્તાધારી સરપંચને પાડી દેવા માટે બબ્બે વખત બજેટ ના મંજુર કરાવનાર સભ્યો સામે સરપંચે ખેલ પાડી દઈ એક મહિલા સદસ્યને ગેરલાયક ઠેરવી બીજા મહિલા સભ્યને સતત ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારતા હવે નવો રાજકીય વળાંક આવ્યો છે.

ટંકારા ગ્રામ પંચાયતની ગત મહિને મળેલી બેઠકમા ચુંટાયેલા સભ્યોએ જ સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી હોબાળો મચાવી બજેટ સહિતની તમામ બાબતોનો વિરોધ કરી બજેટ ના મંજુર કર્યુ હતુ. બાદમા તાજેતરમા, ટીડીઓ દ્વારા સરપંચ જુથને બહુમતી સાબિત કરવા અને બજેટ મંજુર કરવા માટે બીજી તક આપી હતી. પરંતુ બીજી વખત મળેલી બેઠકમા પણ સભ્યોએ બહુમતી ના જોરે ફરી બજેટ સહિતના તમામ મુદ્દાઓ નામંજુર કરતા તાલુકાના સ્થાનિક રાજકારણમા ભારે હડકંપ મચી છે.

જો કે, હાલ લઘુમતીમા આવી ગયેલા સરપંચની ખુરશીના પાયા હચમચી ઉઠ્યા છે અને આખી ગ્રામ પંચાયત સુપરસીડ થાય એવા એંધાણ વચ્ચે સરપંચે કુકરી ગાંડી કરીને મહિલા સદસ્ય બીલકિશબેન અનવરભાઈ સોહરવદીને આંગણવાડીમા નોકરી કરતા હોય સભ્યપદેથી દૂર કરવા કાર્યવાહી કરતા ટંકારા ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યપદેથી હટાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત સરપંચ દ્વારા મહિલા સદસ્ય મિતલબેન કેવલભાઈ દંતેસરિયા છેલ્લી ચાર મિટિંગમાં સતત ગેરહાજર રહેતા આપોઆપ સભ્યપદેથી દૂર થતા હોવાનું જણાવી લેખિત નોટિસ પાઠવી હતી પરંતુ તેઓ ઘેર હાજર ન હોય ઘર ઉપર નોટિસ ચિપકાવી બીજા સભ્યને પણ ઘરભેગા કરી દેવા તખ્તો ઘડી કાઢતા વિરોધી જૂથમા હડકમ્પ મચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, ટંકારા ગ્રામ પંચાયતની ગત તા.22મી ડિસેમ્બરે સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડામા સમાવિષ્ઠ સામાન્ય બજેટ રજુ થતા જ આગોતરી તૈયારી સાથે આવેલા સરપંચ વિરોધી જુથના સભ્યોએ ગોઠવણ મુજબ વિરોધ કરી સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી બજેટના મંજુર કર્યુ હતુ. સાથે જ મંજુર કરવા મુકાયેલા નવ પ્રકરણો પણ ચર્ચા કર્યા વગર હોબાળો મચાવી બહુમતીથી ના મંજુર કરતા સરપંચ ગોરધનભાઈ ખોખાણીના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. કુલ 14 સભ્યો અને સરપંચ સહિત 15 સભ્યોનુ સંખ્યાબળ ધરાવતી ગ્રામ પંચાયતમા સરપંચ જુથના એક સભ્યે સરપંચ જુથથી નારાજ થઈ અગાઉ રાજીનામુ ધરી દીધુ હતુ. જ્યારે એક સભ્ય ગેરહાજર રહેતા 13માથી સાત સભ્યોએ બહુમતીથી સામાન્ય સભામા એજન્ડા મુજબ 9 મુદ્દે ચર્ચા અને મંજુરી માટે કાર્યવાહી હાથ ધરવામા બજેટના મંજુર કરવા સહિત તમામ નવ મુદ્દાઓનો એક સુરે વિરોધ કરી ના મંજુર કરતા સમગ્ર તાલુકાના સ્થાનિક રાજકારણમા ગરમાવો આવ્યો હતો.

બીજી તરફ ગ્રામપંચાયતનુ બજેટ ના મંજુર થતા સમગ્ર કાર્યવાહીનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી ને મોકલાતા ટીડીઓએ પંચાયત ધારાની જોગવાઈ મુજબ ફરી તક આપતા તાજેતરમા ફરી ગ્રામ પંચાયત ખાતે આસીસ્ટંટ ટીડીઓના અધ્યક્ષ સ્થાને બીજી બેઠક મળી હતી. પરંતુ બીજી તક મા પણ સભ્યોએ એક જુથ થઈ ફરી બજેટ ના મંજુર કરતા હાલ તો, સરપંચની ખુરશીના પાયા હચમચી ગયા છે. હાલ ના સ્થાનિક ચિત્ર મુજબ અંતિમ ત્રીજી તકમા સરપંચ જુથ કાંઈ ઉકાળી શકે એમ જણાતુ નથી. જો ત્રીજી વખત પણ બજેટ ના મંજુર થાય તો આખી ગ્રામ પંચાયત સુપરસીડ થવા સાથે તમામ ચુંટાયેલા સભ્યો ઘર ભેગા થવા ના હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટંંકારા ગ્રામ પંચાયતની વર્ષ 2021 મા સંપન્ન થયેલી ચુંટણી વખતે જ સરપંચ અને હરીફ જુથ વચ્ચે વૈમનસ્યના બીજ રોપાઈ ગયા હતા. જેમા, બંને જુથ પાસે સાત – સાત સભ્યો હોવાથી સરપંચનો મત સરપંચ જુથ બાજુ પડે એટલે એક મતે હરીફ જુથ મહાત થાય એવા એંધાણ હોવાથી સમસમીને બેઠુ હતુ. જેમા સરપંચ જુથના એક સભ્યે રાજીનામું ધરી દેતા અને એક સભ્ય નારાજ થતા હરીફ છાવણીએ ખેલ પાડી દઈ સતત બીજી તકમા પણ બજેટ નામંજુર કરી ખેલ પાડી દીધો બાદ હવે એક સભ્ય ઘરભેગા થવાથી અને એક સભ્યને ગેરલાયક ઠેરવવા ખેલ પડી જતા નવાજુનીના એંધાણ મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો