ટંકારા: એસ.ટી.બસ સ્ટેશનનું મંત્રી પૂર્ણશ મોદીના હસ્તે લોકાર્પણ

બે દશકા પછી 45 ગામડાના મુસાફરોની માંગ સંતોષાઈ, ભાજપના ધારાસભ્ય વખતે ન થયેલુ કામ વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા વખતે થયુ

By જયેશ ભટાસણા – ટંકારા
વાંકાનેર: આઝાદી અગાઉ જાહોજલાલી અને સવલતો સભર ટંકારા તાલુકામાં બે દશકા મોર મુસાફરી માટેનુ એસ ટી સ્ટેન્ડ છીનવાઈ ગયુ હતું પરંતુ ટંકારામાં શનિવારે સોનાનો સુરજ ઉગયો હોય એમ એક સાથે વર્ષો જુની બે માગણી સંતોષવામા આવી છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ્દ હસ્તે કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. 166.53 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના હસ્તે ટંકારા ઉપરાંત સરા, ગોંડલ તેમજ સાયલાના નવનિર્મિત કુલ 951 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ટંકારા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, મોરબીના પ્રભારી મંત્રીશ્રી દેવાભાઇ માલમ અને ઉપરાંત સાંસદ સર્વેશ્રી મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, એસ.ટી. ના વિભાગીય નિયામક જે.બી. કડોતરા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા સહિતના અધિકારીઓ તેમજ એસ.ટી. વિવિધ યુનિયનના હોદ્દાદારો, કર્મચારીઓ સ્થાનિક અગ્રણી પ્રભુ કામરીયા કિરીટ અંદરપા ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી રૂપસિંહ ઝાલા તેમજ ટંકારાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ ટંકારા તાલુકાના લોકોની વર્ષો જુની માંગણી હતી કે ભાજપ એની તાલુકા કક્ષાની કાર્યાલય ખોલે જયા પ્રજાજનો એના પશ્ર્નો અને રજુઆત માટે મળી શકે જે માંગણી પણ આજે પુરી થઇ હતી.

કાર્યક્રમ અંતે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ અને ગુરૂકુલ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી જયા આચાર્ય રામદેવજી અને રમેશભાઈ મહેતાએ આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીના જીવનની આછેરી માહિતી આપી હતી. સુરેન્દ્રનગરના સાંસદ ડો મુજપરાએ બાલ્ય અવસ્થામા અભ્યાસ કાળ દરમિયાન વિશ્ર્વ વિખ્યાત વિનટેક્ષ બોલપેન જે ટંકારા મા બનાવવામાં આવતી એની વાત યાદ કરતા જેથી સૌ ટંકારા વાસી પણ ચોકી ઉઠયા હતા.

આ સમાચારને શેર કરો