વાંકાનેર: ખોળની દુકાનમાં નોકરી કરનારે પોતાની દુકાન શરૂ કરતાં શેઠને ન ગમ્યું અને થયો ડખ્ખો !!
વાંકાનેરમાં ધંધાકીય ખાર રાખી બાજુની દુકાનમાં સસ્તો ખોળ વેચવા લાગતા બીજા ખોળના વેપારીને લાગી આવતા લોહાણા આધેડે ડીડીટી ગટગટાવી લીધી હતી. જેથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
વાંકાનેરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિલીપ ધીરજલાલ રાજાણીએ ગઇકાલે વાંકાનેરના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે ડીડીટી પાઉડર પી લેતા તેને વાંકાનેર હોસ્પિટલ બાદ તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં પોલીસ નિવેદનમાં તેણે જણાવેલ કે, વાંકાનેરમાં જ પશુ આહાર રાજા કેટલ ફીડના નામે ઢોરને ખાવાના ખોળનો વેપાર કરતા મકબૂલભાઈ સાથે તે છેલ્લા ૮ વર્ષથી તેમની પેઢીમાં નોકરી કરતો હતો.
દિલીપે છેલ્લા 10 દિવસ પહેલા વાંકાનેરમાં જ પોતાની અલગ દુકાનમાં ખોળનો સ્વતંત્ર વેપાર શરુ કર્યો હતો. જે મકબૂલભાઈને ન ગમતા દિલીપની બાજુમાં જ મકબૂલભાઇએ પોતાની બીજી દુકાન શરુ કરી દીધી હતી અને દિલીપભાઈ કરતાં સસ્તા ભાવે ખોળ વેચવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત દિલીપે આક્ષેપ કર્યો છે કે મકબૂલભાઈએ તેને ધમકી આપેલી કે હું આ ધંધો તને નહીં કરવા દઉં. જે વાતનું લાગી આવતા દિલીપે ડીડીટી ગટગટાવી લીધી હતી. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.