સૂચક પરિવાર દ્વારા લગ્ન પ્રસંગની ચાંલ્લાની રકમ સદભાવના વૃદ્ધાશ્રમને અર્પણ કરી.
સદભાવના વૃદ્ધાશ્રમનાં અનેકવિધ સેવાકીય કાર્યોમાં સૂચક પરિવાર સહભાગી બન્યો
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ આવા વડીલોને સાચવવાનું કાર્ય કરે છે. આ વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મનાં ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.
વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 550 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે.
સંસ્થા દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ ઉલ્લાસભેર કરવામાં આવે છે. ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનાં સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સૉસાયટીઓમાં જાણીતું બન્યું છે. તે રાજ્યને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે જે અંતર્ગત ખૂબ ટૂંકા સમયમાં 20,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે. તેના જતન માટે સંસ્થાનાં 250 ટ્રેકટર અને 250 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 700 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે, તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ પણ ચલાવામાં આવે છે.
આ સંસ્થાના તમામ અભિયાન પાછળ અંદાજીત 90 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમને સૂચક પરિવાર દ્વારા લગ્ન પસંગે આવેલ ચાંલ્લાની રકમ આશ્રમનાં વૃદ્ધોની સેવા કરવા તેમજ વૃક્ષોનાં વાવેતર માટે, પર્યાવરણ અને સ્વસ્થ સમાજનાં નિર્માણ માટે આપવામાં આવી. 12 ફેબ્રુઆરીનાં રોજ સ્વ. વિનોદકુમાર સૂચક અને ફાલ્ગુનીબેન સૂચકનાં સુપુત્ર હર્ષિલ સૂચક અને અંજલિનાં લગ્ન બાદ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ શુભ પસંગે પ્રાપ્ત થયેલ ચાંલ્લાની રકમનો ઉપયોગ સ્વ. હેમતલાલ સૂચક પરિવાર , વિમળાબેન સૂચક, ચંદ્રકાંતભાઈ સૂચક, ભાવનાબેન સૂચક, રાજેશભાઇ સૂચક, દિશાબેન સૂચક તથા સૂચક પરિવારે સેવાકીય કાર્યો માટે કર્યો છે. સૂચક પરિવારનાં આ પ્રયાસે સમાજને સેવાકીય કાર્યો કરવા માટે એક નવો માર્ગ બતાવ્યો છે. એ બદલ સમગ્ર સંસ્થા તેમની આભારી છે તેમજ હર્ષિલ અને અંજલિનાં સુખમય લગ્ન જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમનાં ધીરેન્દ્ર કાનાબાર સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.