Placeholder canvas

SSC માં બેઝીક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ હવે ધો. 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે

ધો. 10ના અભ્યાસક્રમમાં ગણિત બેઝીક વિષય રાખનાર વિદ્યાર્થીઓને હવે ધો. 11 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપમાં પ્રવેશ મળી શકશે તેમ રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આ નિર્ણયના પગલે વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી ફેલાઈ જવા પામેલ છે.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21થી ધો. 10ના વિજ્ઞાન પ્રવાહમાં ગણિત બેઝીક વિષય રાખનાર વિદ્યાર્થીઓને ધો. 11 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપમાં પ્રવેશ મળી શકશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, અગાઉ ગણિત બેઝીક રાખનારા વિદ્યાર્થીઓ માટે આ જોઈંગવાઈ રદ કરી નાખવામાં આવેલ હતી.

રાજ્યમાં આગામી માર્ચ-2022માં લેવાનાર ધો. 10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસનાર છે ત્યારે હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. દરમિયાન શિક્ષણમંત્રી વાઘાણીએ આ અંગેની વિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે અગાઉ જે વિદ્યાર્થીઓ ધો. 10માં બેઝીક વિષય તરીકે ગણિત રાખતા હતા તેઓને ધો. 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતો ન હતો. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા નિયમોમાં કરાયેલા ફેરફાર અને લેવાયેલા આ નવા નિર્ણયના પગલે વિદ્યાર્થીઓને હવે ધો. 11માં બી ગ્રુપ રાખવાની તક ઉપલબ્ધ થશે.

શિક્ષણમંત્રી વાઘાણીએ આ તકે એવું પણ જણાવ્યું હતું કે ધો. 10નું ગણિત વિષયનું પાઠઠ્ય પુસ્તક એક સરખુ જ રહેશે. પરંતુ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝીકના પ્રશ્નપત્ર પરિરુપ અલગ અલગ રહેશે. ધો. 10માં બેઝીક ગણીત રાખનાર વિદ્યાર્થીઓને ધો. 11 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં પ્રવેશ મળશે પણ એ અથવા એબી ગ્રુપમાં આ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે નહીં તેમ પણ વાઘાણીએ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો