Placeholder canvas

ધો.9-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન લેવું હશે તો પરીક્ષા આપવી પડશે.

વર્તમાનમાં ચાલતી કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ ધોરણ એકથી નવ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તાજેતરમાં જ માસ પ્રમોશન અંગે પરિણામો તૈયાર કરવા અંગે બોર્ડ દ્વારા પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ આજે બોર્ડ દ્વારા ધોરણ. ૯ અને ૧૧ના પરિણામને લઇ કેટલીક સ્પષ્ટતાઓ સાથેનો પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ ધોરણ. ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ પ્રમોશન લેવું હશે તો પણ પ્રથમ કસોટી આપવી ફ્રજીયાત છે.

જો કે રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી લેવાઈ ચૂકી છે પરંતુ જે વિધાર્થીઓએ પ્રથમ કસોટી આપી નથી તેમના પરિણામ પ્રથમ કસોટી લેવાયા બાદ જ તૈયાર થશે. જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી આપવા માટે તૈયાર નહીં થાય તો તેવા વિદ્યાર્થીઓના પરિણામમાં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ માસ પ્રમોશન લેવા ના નથી.

શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ મુજબ ધોરણ ૯ અને ૧૧માં ૫૦ ગુણની પ્રથમ કસોટી ન આપી હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ અટકાવી તેમની પ્રથમ કસોટી લેવાની રહેશે અને ત્યારબાદ જ આવા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાના રહેશે. આ ઉપરાંત સામયિક કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની પણ પુનઃ સામયિક કસોટી લીધા બાદ પરિણામ જાહેર કરવાનું નક્કી કરાયું છે.

આ જ રીતે આંતરિક મૂલ્યાંકન માટે પણ નિયમો લાગુ પડશે. સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ન કરનાર તેમજ કોઈપણ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રથમ કસોટી લેવાનું નક્કી કરાયું છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી આપવા ન માંગતો હોય તો એવા વિદ્યાર્થીઓના પરિણામમાં માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેવું દર્શાવી તે ધોરણમાં મુકવાના રહેશે.

આ જ રીતે કોઈ વિદ્યાર્થીએ પ્રથમ કસોટી આપી હોય પરંતુ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા ન હોય તેમના પરિણામમાં પણ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેમ દર્શાવવાનું રહેશે.
આચાર્ય, ક્લાર્કે વેકેશન દરમિયાન સ્કૂલમાં હાજર રહેવુ પડશે
શાળાઓના નોન વેકેશનલ સ્ટાફ્ને લઈ શિક્ષણ બોર્ડે પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવાયું છે કે, આચાર્ય, ક્લાર્ક અને સેવકને વેકેશન મળવા પાત્ર ન હોવાથી તેમને શાળામાં હાજરી આપવા આદેશ કરાયો છે. આમ, જે કર્મચારીઓને વેકેશન મળવા પાત્ર નથી તેમને સ્કૂલમાં હાજર રહેવા માટે જણાવાયું છે.

આ સમાચારને શેર કરો