skip to content

મોરબી જિ.પં.ની સામાન્ય સભામાં ખેડૂતોના મુદ્દે બોલી બઘડાટી…

મોરબી : લાંચ કેસમાં ફરાર મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની ગેરહાજરીમાં ગઈ કાલે ઉપપ્રમુખ ગુલામ પરાસરાનાં અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાના યોજાઈ હતી.આ સામાન્ય સભામાં અતિવૃષ્ટિથી ખેતીમાં થયેલી મોટી તારાજી અને સર્વેમાં ખેડૂતોને અન્યાય થયાનો. મામલો ભારે ગાજયો હતો.આ બાબતની પ્રશ્નોત્તરીમાં ભારે તડાફડી બોલી ગઈ હતી.જોકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખેડુતો સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ સામાન્ય સભામાં અગાઉની સભાની કાર્યવાહીને બહાલી ,ઠરાવની અમલવારીને બહાલી આપવામાં આવી હતી. આ જિલ્લા પંચાયતનાં સભ્યોના સભ્યોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં વાંકાનેરની બેઠકનાં સભ્ય હરદેવસિંહ ઝાલા,વાંકાનેર ધારાસભ્ય પીરજાદા અમુભાઈ હુમબલ સહિતનાએ મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિના દરમિયાન પડેલા ભારે વરસાદ અને ત્યાર બાદ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ બાદ જે સર્વે કામગીરી થાય છે તેમાં તલાટી મંત્રી,ગ્રામ સેવક તેમજ અન્ય અધિકારિઓ ગ્રાઉન્ડ તપાસ વિના સર્વે કરતા હોય કે ખેડૂતોને આ બાબતે જાણકારી ન આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ જે રીતે સરકાર ભારે વરસાદનાં માત્ર 48 કલાકમાં નુકશાન અંગે જાણ કરવા અંગેની જોગવાઈ છે તે અન્યાયી હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

ખેતરમાં વરસાદ બાદ પણ પાણી ભરેલા હોય આવા સમયે ખેડૂત તેના પાકમાં નુકસાન થયું છે કે નહીં અને થયું છે તો કેટલું એ અંદાજ લગાવી શકે તેમ નથી ખેડૂતો વરસાદ દરમિયાન ખેતરમાં ભરેલું પાણી બહાર કાઢવા જાય કે અરજીઓ કરવા આ નિયમ ખેડૂતોને હેરાન કરવા માટે હોવાનું સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો. આ ઉપરાંત સામાજિક સમિતિમાં કો ઓપટ સભ્ય તરીકે રાજેશભાઇ ચૌહાણની નિમણુંક કરવામાં આવી હતી.

આ સભામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ થોકબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં તેઓએ મોરબી, માળિયા તાલુકાના આંગણવાડી મકાનો, શૌચાલયો, પીવાના પાણી વગેરે સુવિધાઓ બાબતે, નવલખી બંદરમાંથી અલગ પડેલા ઝુમાવાડી વિસ્તારને શિક્ષણ અને આરોગ્ય વિષયક સુવિધાઓ પુરી પાડવા, ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કમ્પાઉન્ડ વોલ બાબતે, મોટા દહીંસરા અને કૃષ્ણનગરના ખેડૂતોને સીમમાં જવા તળાવના પાણીના અવરોધને કારણે ઉભી થતી મુશ્કેલી નિવારવા તેમજ અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલી નુકશાની બદલ આર્થિક મદદ કરવા સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો