Placeholder canvas

રાજકોટમાં પુત્ર CBSEમાં ધો. 12માં “પાસ” થયોને માતા જિંદગીમાં “ફેલ” થયા…

દીકરાને સારા માર્ક્સ આવતા ખુશીમાં માતાનું હૃદય બંધ પડી ગયું, ડોક્ટરે મૃત જાહેર કર્યા

રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. યુવા વયના લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બનતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે પુત્રને CBSE ધો. 12માં સારા ટકા આવતા ખુશીમાં માતાનું હૃદય બંધ પડી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં બદલાઈ ગયો છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે CBSE દ્વારા ધો. 10-12 નાં પરિણામો જાહેર કરાયા હતા. જેમાં રાજકોટ મવડી વિસ્તારની મારૂતિનંદન સોસાયટી શેરી નંબર 4માં રહેતા અને કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા નરેન્દ્રસિંહ ઝાલાનાં પુત્ર રુદ્રરાજસિંહને CBSE ધોરણ 12માં સારા માર્ક્સ આવ્યા હતા. આ તકે ખુશી વ્યક્ત કરતા માતા શીતલબા ઝાલાને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવારમાં ખસેડાયા હતા. જો કે, ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ સમાચારને શેર કરો