રાજકોટ સિવિલનો ફડાકા કાંડ : બન્ને પક્ષને સાંભળ્યા બાદ નિર્ણય…

ગઈકાલે રાત્રે બ્રધર તુષાર પટેલને પ્રદ્યુમનનગરના મહિલા હેડ કોન્સ્ટેબલ તોરલ જોશીએ ઝાપટ મારી લેતા નર્સિંગ સ્ટાફ એકાએક હડતાલ પર ઉતરી ગયો હતો, જેથી સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓમાં દોડા દોડી થઈ ગઈ હતી, સમજાવટ બાદ રાત્રે મામલો થાળે પડાયો હતો પણ કેટલાક સ્ટાફમાં ફરિયાદ નોંધાવવા માંગ ઉઠી છે

રાજકોટ: ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા તુષાર પટેલને પ્રદ્યુમનનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ તોરલ જોશીએ કોઈ બાબતમાં રકઝક થયા બાદ ફડાકો મારી દેતા ચકચાર મચી ગઇ હતી. સિવિલના આ ફડાકા કાંડ મામલે બન્ને પક્ષને સાંભળ્યા બાદ નર્સિંગ સુપ્રિ. ફરિયાદ અંગે નિર્ણય લેશે.

આટલા વર્ષોમાં પ્રથમવાર નર્સિંગ સ્ટાફના કર્મચારી અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની છે, બન્ને પક્ષને સાંભળી ઘટનાની હકીકત જાણવામાં આવશે. એ બાદ બ્રધરનો વાંક જણાશે તો તેની સામે પગલાં લેવાશે અને જો મહિલા પોલીસ મેનનો વાંક જણાશે તો ફરિયાદ નોંધાશે. આ તરફ સુપ્રિ. સાથે બેઠક બાદ આજે સિવિલ નર્સિંગ સ્ટાફ બપોરે પ્રદ્યુમનનગર પોલીસ મથકે જઈ શકે છે. ત્યાં મહિલા પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવવા તુષાર પટેલ કાર્યવાહી કરી શકે છે. જોકે, નર્સિંગ અધ્યક્ષની બેઠક બાદ આ નિર્ણય લેવાશે.

સિવિલમાં ઘટના અંગે બે જુદી – જુદી ચર્ચા
ફડાકા કાંડ અંગે સિવિલના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. કે બનાવ અંગે બે પ્રકારની જુદી જુદી ચર્ચા ચાલી રહી છે. એક ચર્ચા મુજબ ઈસીજીની પટ્ટી આપવા જતા નર્સિંગ સ્ટાફ બ્રધર તુષારનો હાથ મહિલા પોલીસ કર્મી તોરલને અડી ગયો હતો જેથી ચકમક ઝરતા ફડાકો મારેલો, બીજી ચર્ચા મુજબ એક બોડીને પીએમાં લઇ જવા માથાકુટ થઈ હતી. જોકે બે માંથી કયું કારણ સાચું છે તે જાણવા મળેલ નથી આજે સુપ્રિની બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

આ સમાચારને શેર કરો