Placeholder canvas

ગુજરાતમાં કાલથી ત્રણ દિવસ માવઠાની ચેતવણી: દરિયો તોફાની બનશે

શુક્રવારે રાજકોટ,જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ

રાજસ્થાનમાં અને અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરના ભાગરૂપે આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે બનાસકાંઠા અને પાટણ જિલ્લા ઉપરાંત કચ્છમાં માવઠું થશે.

શુક્રવારે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત મહેસાણા સાબરકાંઠા અરવલ્લી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

શનિવારે વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ અને સુરત જિલ્લામાં માવઠું થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે.

પોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે આ ત્રણ દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ જોરદાર રીતે વધી જશે.

દરિયામાં ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસ માટે અરબી સમુદ્રમાં પ્રતિ કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધી ને 60 કિલોમીટર સુધી પહોંચી જશે. દરિયો તોફાની બન્યો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો