Placeholder canvas

મોરબીમાં કારખાનામાં કામ કરતા યુવાનને શેઠે બેફામ માર માર્યો…

મોરબી, : મોરબીમાં રવાપર રોડ પર આવેલી રાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટિંગ માટે કામે રહેલા યુવાને 16 દિવસનો પગાર માંગતા મહિલા કારખાનેદાર અને તેના ભાઈ સહિતની ટોળકીએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી પગરખું યુવાનના મોઢામાં લેવડાવી માફી માંગતો વીડિયો ઉતારી દીધાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મળેલ માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશ કિશોરભાઈ દલસાણીયા ઉ. 21 નામના યુવાને રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી તથા અન્ય અજાણ્યા શખ્સો (રહે. બધા મોરબી) વિરૂદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પીડિત યુવાન નિલેશ તા.૨ ઓક્ટોબરના રોજ રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં માર્કેટિંગની નોકરીએ રહ્યો હતો, બાદમાં તા.૧૮ના રોજ તેને નોકરીએ આવવાની ના પાડવામાં આવી હતી. બીજી તરફ ઓફિસના કર્મચારીઓને દર મહિનાની પાંચ તારીખે પગાર થઇ જતો હોય, પરંતુ નિલેશનો પગાર તેના ખાતામાં ન આવતા તા.૬ નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફોન કરીને પગાર માટે પૂછતાં ‘ઓફિસમાં જોઈને કહું’ તેવો જવાબ આપ્યો હતો.

આ દરમિયાન પીડિત યુવાને વિભૂતિ પટેલના ભાઈ ઓમ સાથે પગાર બાબતે વાત કરતા તેઓએ કહ્યું હતું કે હું બે ત્રણ દિવસ બહાર છું પરત આવું એટલે કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવીશ. જેથી ત્રણ દિવસ પછી તેવું કહેતા નિલેશ તેના ભાઈ અને પાડોશી સાથે ત્યાં ઓફિસે જતા આરોપી ડી.ડી. રબારીએ નિલેશ સાથે રહેલા યુવાનને ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહી આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત સહિતના લોકોએ નિલેશના વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ ગયા હતા. જ્યાં નિલેશને આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા ચામડાનાં કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. આ ઉપરાંત ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો હોવાનું જણાવતો વીડિયો ઉતારી જેમફવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તમામ આરોપીઓએ પીડિત યુવાન નિલેશને બેફામ માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસી કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો