સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની નાણાંભૂખ, પરીક્ષા ફીમાં એક ઝાટકે 500 રૂપિયા વધાર્યા
ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા માટે હાઇકોર્ટમાં લડત ચલાવી વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આવ્યો છે, ત્યારે બીજીતરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રેમેડિયલ પરીક્ષાની ફીના મુદ્દે 24 કલાકમાં નવો પરિપત્ર કરી 60 હજાર જેટલા વિદ્યાર્થીઓના ખિસ્સામાંથી રૂ.3 કરોડ ખંખેરી લેવાનો ખેલ નખાતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં સીધો રૂ.500નો વધારો ઝીંકી દેતા દેકારો બોલી ગયો છે ત્યારે આ મુદ્દે કુલપતિ ડો.નિતિન પેથાણીએ જવાબ આપવાનું ટાળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
18મીથી ઓનલાઇન ફોર્મ ભરવા કહ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી ઓક્ટોબર માસમાં લેવાનાર યુ.જી. સેમેસ્ટર-6ની રેમેડિયલ પરીક્ષા માટે ગત 16મી સપ્ટેમ્બરે પરિપત્ર કર્યો હતો. જેમાં ભવનો તથા કોલેજોને તા.17મીથી ઓનલાઇન એન્ટ્રી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ પરીક્ષા વિભાગે ફરી તા.17મી સપ્ટેમ્બરે નવો પરિપત્ર કર્યો હતો જેમાં 18મી સપ્ટેમ્બરથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવા સૂચના આપી હતી. જેમાં પરીક્ષા ફીમાં સીધો રૂ.500નો વધારો ઝીંકી દીધો હતો. યુનિવર્સિટીના સત્તાધીશોએ પરીક્ષા ફીમાં 32 થી 185 ટકા જેવો તોતિંગ વધારો રાતોરાત ઝીંકી દેતા અનેક સવાલો ઉઠ્યા છે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે અનેક લોકોના રોજગાર-ધંધા છીનવાઇ ગયા છે ત્યારે આ કપરાકાળમાં વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાં રાહત આપવાના બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતાની તિજોરી ભરી લેવાનો પ્રયાસ કરતા ચોતરફથી તેની ટીકા થઇ રહી છે.
સિન્ડિકેટ બેઠકમાં ઠરાવ કર્યા વગર વધારો ઝીંકી દેવાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફી વધારો કરવો હોય તો સ્ટેચ્યુટ-એકટની જોગવાઇ મુજબ સિન્ડિકેટમાં ઠરાવ કરવાનો હોય છે ત્યારે આ વધારો સિન્ડિકેટમાં ઠરાવ વગર ઝીંકી દેવાયાનું જાણવા મળે છે.
વિદ્યાર્થીઓને ભણાવવા માટે રચેલી યુનિવર્સિટી બની નફાખોરીનું સાધન
સરકાર દ્વારા કન્વેન્શનલ યુનિવર્સિટીની સ્થાપના વિદ્યાર્થીઓને ઓછી ફીથી ભણાવવા માટે કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશોની નાણાભૂખને કારણે નફાખોરીનું સાધન બની ગઇ છે. વિદ્યાર્થીઓ પર યેનકેન પ્રકારે સતત ફીનું ભારણ વધારીને દર વર્ષે યુનિવર્સિટીનું બેન્ક બેલેન્સ વધારવામાં આવી રહ્યું છે અને તેનો ઉપયોગ સત્તાધીશોના તાયફામાં કરવામાં આવી રહ્યો છે.
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..