Placeholder canvas

પડધરી: નવજાત બાળકીને અવાવરુ જગ્યાએ ફેંકનાર સગીરા અને તેના માતા-પિતાની ધરપકડ

સગીર પુત્રી કુંવારી માતા બનતા માતા પિતા નવજાત બાળકીને અવાવરુ જગ્યાએ ફેંકી ગયા હતા : સમાજમાં બદનામ થવાના ડરથી બાળકીને તરછોડી દીધી, સગીરા પર દુષ્કર્મ ગુજારનારની શોધખોળ

પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે નવજાત બાળકી અવાવરું જગ્યા પરથી મળવાના પ્રકરણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં બાળકીને જન્મ આપનાર તેની માતા સગીરવયની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે બાળકીને જન્મ આપનાર તેની સગીરવયની માતા તેમજ તેના માતા-પિતાની ધરપકડ કરી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખનાર શખ્સની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પડધરીના નાના ખીજડિયા ગામ ખાતેથી મળી આવેલ નવજાત બાળકી અંગે એક વાડી માલિકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કેટલીક હકીકત સામે આવી છે અને તેના આધારે બાળકીને જન્મ આપનાર તેની સગીરવયની માતા અને તેના માતા-પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ તપાસમાં નવજાત બાળકીને જન્મ આપનાર સગીરા ખામટા ગામમાં ખેત મજૂરી કરતા પરિવારની તરુણી હોવાનું સામે આવ્યું હતું અને સગીરાએ બાળકીને જન્મ આપતા લગ્ન કરાવવામાં સમાજમાં મુશ્કેલી ન થાય એ માટે માતા-પિતાએ સાથે મળી બાળકીને ત્યજી દેવા નિર્ણય કર્યો હોવાની કબૂલાત બાળકીના માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી હતી.

પડધરી પોલીસને બાળકી મળી આવી તેના 100 મીટરના અંદર જ તેની ડિલિવરી થઈ હોવાના પુરાવા મળી આવ્યા હતા.તેમજ મહિલાના લોહી વાળા પગલાં પણ રસ્તા પરથી મળ્યા હતા.જેથી આ નવજાત બાળકીના સેમ્પલ અને રોડ પરથી મળી આવેલા લોહીના સેમ્પલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે આ બાળકીનો જન્મ રાતના સમયે થયો હતો.જે વાડીના માલિક દ્વારા બાળકીનો બચાવ કરવામાં આવ્યો હતો તેણે ફરિયાદી બનાવવામાં આવ્યો હતો.હાલ બાળકી સ્વસ્થ છે.

આ સમાચારને શેર કરો