Placeholder canvas

રાજકોટનો કુખ્યાત બુટલેગર ફીરોઝ સંધી ‘ફીરયો’ પકડાયો

રાજકોટના જંગલેશ્ર્વરમાં દેવપરા મેઈનરોડ, ખ્વાઝા એપાર્ટમેન્ટમાં રહેતો કુખ્યાત બુટલેગર ફીરોજ ઉર્ફે ફીરીયો હાસમ મેણુ (સંધી) (ઉ.વ.41)ની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા એકાદ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. ફિરોઝ સંધી એકાએક પકડાઈ જતા સવાલો ઉઠી રહ્યા છે કે, ફીરોઝ ખરેખર પકડાયો છે કે પછી સામેથી ક્રાઈમ બ્રાંચે હાજર થયો છે?

છેલ્લે તા.23-6-2021ના રોજ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી હીરાસર ગામ, બંસલ પેટ્રોલ પંપ પાસે વીડી વિસ્તારમાંથી દારુની 5100 બોટલ વાહનો મળી રૂા.41.03 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જેમાં ત્રણ આરોપી પકડાયા હતા જયાંથી દારુ પકડાયો તે વાંકાનેર તાલુકા પોલીસનો વિસ્તાર હોવાથી આરોપી અને મુદામાલ વાંકાનેર પોલીસને સોંપી દેવાયા હતા. આ કેસમાં પણ ફીરીયા સંધીનું નામ ખુલ્યું હતું અને તે નાસતો ફરતો હતો.

આ દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમ પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શનમાં આરોપીની શોધખોળમાં હતી. પોલીસના દાવા મુજબ ગઈકાલે પીએસઆઈ પી.બી. જે બલીયાની ટીમના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, વિક્રમભાઈ ગમારા, સુભાષભાઈ ઘોઘારી અને દેવાભાઈ ધરજીયાને બાતમી મળતા ફીરીયા સંધીને ભાવનગર રોડ, મહીકા ગામના પાટીયા પાસેથી ઝડપી લેવાયો હતો. હાલ ફીરોઝ ઉર્ફે ફિરીયાની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ શરુ કરાઈ છે. બાદમાં વાંકાનેર પોલીસને આ આરોપી સોંપવા કાર્યવાહી થશે.

રાજકોટનો ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી છેલ્લા દસકાથી વધુ સમયથી લીસ્ટેડ બુટલેગર છે. તેના વિરુદ્ધ દારુના કુલ 26 ગુના નોંધાયા છે. જેમાંથી 18 ગુના રાજકોટના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયા છે જયારે ધ્રોલ, ટંકારા, શાપર, ગોંડલ તાલુકા, લોધીકા અને વાંકાનેર પોલીસ મથકે તેમના વિરુદ્ધ દારુના ગુના નોંધાઈ ચૂકયા છે. ઉપરાંત તે ત્રણ વખત સુરત, નડીયાદ અને મહેસાણા જેલ ખાતે પાસામાં જેલની હવા પણ ખાઈ આવ્યો છે.

આ સમાચારને શેર કરો