Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતમાં ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા છેલ્લા બે વર્ષથી ટેન્ડર પ્રક્રિયા વગર ખાનગી પેઢીને ખટાવવા ચાલતા ખેલને નિશાન ઉપર લીધો છે.

આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢી પાસેથી હાલમાં 25 જેટલા વાહનો દર મહિને રૂપિયા 25 હજારના ભાડેથી લઈ રહી છે અને શરત મુજબ 2500 કિલોમીટર દર મહિને વાહન ચલાવવાની શરત છે. પરંતુ હકીકતમાં એક પણ વાહન 1500 કિલોમીટરથી વધારે ચાલતું નથી.

વધુમાં તેમને ઉમેર્યું હતું કે અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢીનું વાહન આજે કલાકો સુધીના ઇન્તજાર કરવા છતાં નિયત સ્થળે પહોંચ્યું ન હતું. આ ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્રમાં રસી પહોંચાડવાની કામગીરી બાદ ભાડે રાખેલા વાહન નિયત સમય સુધી આરોગ્ય કેન્દ્રમાં હાજર રાખવાને બદલે છુમંતર થઈ જતા હોવાનું પણ ધ્યાને આવતા તમામ વાહનોની લોગબુક મંગાવી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

આશ્ચર્યજનક બાબત તો એ છે કે, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અંજલી કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાકટ પૂરો થવા છતાં નવી ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે છેલ્લા બે વર્ષથી કિલોમીટર અને ભાડું બન્ને વધારી કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં દરમહિને લાખો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે એ કોને સાચવવા માટે થઇ રહ્યું છે? તેવા અવલો ઉઠાવી નવી ટેન્ડર પ્રક્રિયા કરવા કડક સૂચના આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો