Placeholder canvas

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શરુ કરાયો ‘સદભાવના શ્વાન આશ્રમ’

પ્રથમ તબક્કે ઘવાયેલા, બીમાર, નિસહાય, લાચાર, પેરેલીસિસવાળા ફ્રેકચરવાળા, અંધ, અપંગ એવા 500 શ્વાનોને આશરો અપાશે

વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. શ્વાન તમામ પ્રકારના જોખમને અગાઉથી અનુભવે છે. પ્રાચીન અને મધ્યયુગનાં સમયમાં, પહેલાના લોકો કુતરાઓને પોતાની સાથે રાખતા હતા જેથી તેઓ જંગલી પ્રાણીઓ, લૂંટારાઓ અને ભૂત-પ્રેતથી બચી શકે. વનમાં રહેતા વનવાસી લોકો કૂતરા પાળતા હતા જેથી તેઓ કોઈપણ પ્રકારના જોખમ પહેલા તે સાવધાન થઈ જાય. ભારતમાં જંગલમાં રહેતા ઋષિ-મુનિઓ પણ કૂતરા પાળતા હતા જેથી કૂતરો તેમને ખતરા વિશે ચેતવણી આપી શકે. આજકાલ પણ લોકો ઘરમાં કૂતરા પાળે છે જેથી તેઓ પોતાના ઘરને ચોરોથી બચાવી શકે.

ભારતીય સંસ્કૃતિમાં શ્વાનનું મહત્વ પહેલેથી જ ચાલ્યું આવે છે. હિંદુ ધર્મમાં કૂતરાને યમનો દૂત કહેવામાં આવે છે. શ્વાનને હિન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક માનવામાં આવે છે. શ્વાનને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક પ્રકારની આકસ્મિક મુશ્કેલીઓથી રક્ષણ કરે છે. એવું માનવામાં આવે છે કે શ્વાનને ખુશ રાખવાથી તે યમદૂતને પણ તમારી આસપાસ ભટકવા નથી દેતો અને શનિની સાથે-સાથે રાહુ-કેતુ સંબંધિત દોષો પણ કૂતરાને તેલમાં ચપટી રોટલી ખવડાવવાથી દૂર થઈ શકે છે. રાહુ-કેતુના, કાલસર્પ યોગથી પીડિત લોકો માટે આ ઉપાય ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કાળો શ્વાન જ્યાં હોય ત્યાં નકારાત્મક ઊર્જા રહેતી નથી.

શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે, આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં ઘવાઈને, બીમાર પડીને, ઉંમરને કારણે લાચાર બની જતા હોય છે, એવા નિસહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદભાવના શ્વાન આશ્રમ’ની શરૂઆત કરવામાં આવી છે. અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલીસિસવાળા, કમર ભાંગેલા, ફ્રેકચરવાળા, અંધ, અપંગ શ્વાનોને કાયમી આશરો મળશે તેમજ તેમને જરૂરી સારવાર, સુવિધાઓ મળશે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર, વેક્સીનેશન, ઓપરેશન વગેરે કરવામાં આવશે અને એક પરિવારના સભ્યની જેમ નિર્વાહ કરવામાં આવશે. પ્રથમ તબક્કે 500 શ્વાનોને આશરો અપાશે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ, ખંઢેરી સ્ટેડિયમની સામે ગારડી કોલેજની બાજુમાં, રાજકોટ (મો.–7485922224)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો