Placeholder canvas

હાઈ-વે પર રિક્ષામાં બેસવા બાબતે 2 જૂથો વચ્ચે મારામારી, 7 લોકોને ઈજા…

લીંબડી હાઈ-વે પર રિક્ષામાં બેસવા બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં 7 લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયા ત્યારે પોલીસ ટીમ સાથે રકઝકનો બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

લીંબડી તાલુકાના ભલગામડાના દુષ્યંતસિંહ ભગીરથસિંહ રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અમારા ગામના ભાણુભાને હાઈ-વે સર્કલ નજીક કિશનભાઈ ભરવાડ સાથે રિક્ષાના ભાડા બાબતે બોલાચાલી થઈ હતી. હું, મારા મોટાભાઈ દિપરાજસિંહ, મયુરસિંહ, ભગીરથસિંહ ઉર્ફે ભાણુભા અને મહિપાલસિંહ રિક્ષાચાલકના ઘરે આવી સામાન્ય બાબતે ઝઘડો નહીં કરવા તે લોકોને સમજાવવા ગયા હતા. ત્યારે કિશનભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડ, વનાભાઈ ભરવાડ, રઘુભાઈ ભરવાડ અને પુનાભાઈ ભરવાડે અમારી ઉપર લોખંડના પાઈપ, કુંડલીવાળી લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

હુમલામાં અમને લોકોને ઈજા પહોંચી હતી. અમારી કારના કાચ તોડ્યાં હતા. સારવાર અર્થે અમને પહેલાં લીંબડી, સુરેન્દ્રનગર અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરનાર પાંચેય સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. લીંબડી પારસનગરમાં રહેતા વિજયભાઈ સિંધવે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારો ભત્રીજો કિશનભાઈ ભરવાડ હાઈ-વે પર રિક્ષા લઈને ઊભો હતો ત્યારે કાકા તરીકે ઓળખાતો શખસ તેની પાસે આવી રિક્ષા લઇને ભલગામડા સુધી મૂકી જવા માટે કહ્યું હતું.

મારા ભત્રીજાએ અન્ય કામ હોવાથી રિક્ષા ભાડે જવાની ના પાડી દીધી હતી. આ બાબતે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જયરાજસિંહ, લક્કીરાજસિંહ મયુરસિંહ, જયરાજસિંહ, દુષ્યંતસિંહ, કાકા તરીકે ઓળખાતા શખસ સહિત 20થી 25 લોકોના ટોળાએ કિશનભાઈ સિંધવ અને પરિવારના સભ્યો ઉપર તલવારો, લોખંડના પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી મોટાભાઈની કારની અડફેટે લઈ ઘરે તોડફોડ કરી હતી. હુમલો કરનાર 30થી વધુ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ સમાચારને શેર કરો