Placeholder canvas

રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ, એન્ટી-એરક્રાફટ ગન હવે રાજકોટમાં બનશે !

મશીન ટુલ્સ ક્ષેત્રના ‘હબ’ ગણાતા રાજકોટમાં હવે હથિયારની ફેકટરી શરૂ થશે.

કુવાડવા પાસે રેસ્પીયન એન્ટરપ્રાઇઝને લાયસન્સ મળ્યું વર્ષાંતે હથિયાર ફેકટરી શરૂ થઇ જવાની શકયતા

રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીએ હથિયારોના ઉત્પાદન ફેકટરી માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે જ્યાં જુદા-જુદા હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલીંગ થશે.

કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતી પટેલે કહ્યું કે કેન્દ્રીય સંરક્ષણ તથા ગૃહ મંત્રાલય તરફથી હથિયારોના ઉત્પાદન તથા એસેમ્બલીંગ માટે લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. રાજકોટમાં હથિયારોના ઉત્પાદન માટેનું આ લાયસન્સ થોડા મહિના જ મળી ગયું હતું. અને ઉત્પાદન પ્રક્રિયામાં એડવાન્સ સ્ટેજે પહોંચી ગયા છીએ અને શક્ય એટલી વહેલી તકે વ્યાપારી ધોરણે ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે.

પ્રીતી પટેલ રાજકોટના છે. અલબત્ત, મુંબઈમાં રહે છે.રાજકોટ અને મુંબઈ બન્ને સ્થળોએ બિઝનેસ ધરાવે છે. રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એર ક્રાફટ ગન બનાવવાના લાયસન્સ તેમની કંપનીને મળ્યા છે. કંપની હથિયાર લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, સીઆરપીએફ, સૈન્ય, એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીઓને વ્યાપારીક ધોરણે હથિયારો વેચી શકશે.

રાજકોટની આ કંપની હથિયારોની ટેકનોલોજીના વિશ્વની અનેક કંપનીઓ સાથે કરાર ધરાવે છે. આધુનિક હથિયારો વિકસાવવા માટે કંપની અત્યાધુનિક રીસર્ચ અને ડેવલપમેન્ટ યુનિટ પણ ધરાવે છે. રાજકોટમાં હથિયાર ફેકટરી માટે કંપની દ્વારા 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરાર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક રોકાણ 50 કરોડનું નક્કી કરવામાં આવ્યું હતું.

પ્રીતી પટેલ એન્જીનીયરીંગ, ક્ન્સ્ટ્રકશન પ્રોજેક્ટમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે. ભારત ઉપરાંત અખાત તથા સાર્ક દેશોમાં પણ પ્રોજેક્ટ સાકાર કર્યા છે.
મશીન ટુલ્સ ક્ષેત્રે રાજકોટ હબ ગણાય છે. ભારતની જ નહીં, વૈશ્ર્વિક કાર કંપનીઓના મહત્વના પાર્ટસ રાજકોટમાં બને છે. ઉપરાંત અન્ય અમુક કંપનીઓએ ઉપગ્રહ ટેકનોલોજીથી માંડીને અન્ય અનેક આધુનિક ઉપકરણોમાં પણ યોગદાન આપેલુ જ છે. હવે હથિયારો પણ રાજકોટમાં બનશે.

આ સમાચારને શેર કરો