સૌરાષ્ટ્ર યુનિ.ના આંબેડકર ચેર સેન્ટર દ્વારા ગામડાઓમાં સંશોધન કરનારને રૂા.12-12 હજારના સંશોધન એવોર્ડ અપાશે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ.ની આંબેડકર ચેરની સલાહકાર સમીતીની ખાસ બેઠક યુનિ.ના કુલપતિ ડો. ગીરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને આંબેડકર ચેરના ચેરમેન ડો. રાજાભાઈ કાથડની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવેલ છે.

જે અંતર્ગત ડો. આંબેડકર ગ્રામાભિમુખ સંશોધન યોજના 2022-23 દ્વારા ડો. આંબેડકર ચેર સેન્ટરને ગામડાઓ સુધી લઈ જવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવશે. જેમાં કુલ 10 સંશોધકોને ગામડાઓમાં સંશોધન કરવા માટે રૂા.12 હજાર સંશોધન એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ પ્રસંગે ડો. બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટરના બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો જેમાં બાબાસાહેબ ડો. આંબેડકર લાઈફ એન્ડ ફીલોસોફી તેમજ વુમન રાઈટસના બે અભ્યાસક્રમો કુલપતિ ડો. ભીમાણી દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. આ તકે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ ડો. આંબેડકર સંબંધીત સંશોધન કરશે.

તો તેઓને 10 હજારની વિશેષ સ્કોલરશીપ આપવાની પણ જાહેરાત કુલપતિ ડો. ભીમાણી દ્વારા કરવામાં આવી હતી. અહી એ ઉલ્લેખનીય છે કે ડો. આંબેડકર રાજયકક્ષાના ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, એલએલએમ, પીજી, પીએચડી સંશોધકોને ફેલોશીપ એવોર્ડ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો