Placeholder canvas

હવે રાજકોટનું ‘શાસ્ત્રી મેદાન’ પણ ફરવાલાયક સ્થળ બનશે

વોકીંગ ટ્રેક, ચિલ્ડ્રન પાર્ક, સિનિયર સીટીઝન પાર્ક, ગાર્ડન બનાવવા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુનું આયોજન

રાજકોટ શહેરની બરોબર મધ્યમાં આવેલ કલેકટર હસ્તકનું શાસ્ત્રીમેદાન નજીકના સમયમાં રાજકોટવાસીઓ માટે હરવા ફરવાનું સ્થળ બનશે અને શાસ્ત્રીમેદાનનું ડેવલપમેન્ટ હાથ ધરવાનું આયોજન રાજકોટ જીલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યુ હતું.

રાજકોટના ઢેબરરોડ પરના બસસ્ટેન્ડની જગ્યામાં નવું બસપોર્ટનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. આથી કલેકટર તંત્ર દ્વારા એસટી વિભાગની વિનંતીને ધ્યાને લઈ શાસ્ત્રીમેદાન ખાતે હંગામી બસસ્ટેન્ડ ઉભુ કરવા જમીનની ફાળવણી કરવામાં આવી હતી.

દરમ્યાન ઢેબરરોડ ખાતે નવુ બસસ્ટેન્ડ કાર્યરત થઈ જતા તાજેતરમાં જ શાસ્ત્રીમેદાનની જમીન ફરી એસટી વિભાગે કલેકટર તંત્રને સોંપી દીધી છે. ત્યારે હવે આ શાસ્ત્રીમેદાનની જગ્યાને ડેવલપ કરી આ જગ્યાને ફરવાલાયક બનાવવા માટે જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલ છે.

જીલ્લા કલેકટરના જણાવ્યા મુજબ શાસ્ત્રીમેદાન ખાતે હાલ સાફસફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને આવતા નજીકના સમયમાં શાસ્ત્રીમેદાન ખાતે વોકીંગ ટ્રેક, ચીલ્ડ્રન પાર્ક, સીનીયર સીટીઝન પાર્ક, ગાર્ડન તથા બેન્ચીસ વગેરેનું નિર્માણ કરવાનું આયોજન છે. જીલ્લા કલેકટરે જણાવેલ હતું કે શાસ્ત્રીમેદાન ખાતે ગ્રીન વોકીંગ પાર્ક પર લોકો વોકીંગ કરી શકે તેવો ટ્રેક પણ બનાવવામાં આવશે.

આ ઉપરાંત સીનીયર સીટીઝનો, બગીચામાં આરામથી બેસી શકે તેવું પણ આયોજન છે. હાલમાં શાસ્ત્રીમેદાન ફરતે મજબૂત દિવાલ બનાવવાનું કામ પણ ચાલુ હોવાનું જીલ્લા કલેકટરે જણાવેલ હતું. જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ વધુમાં જણાવેલ હતું કે શાસ્ત્રીમેદાનના ડેવલપમેન્ટ માટે ટુંક સમયમાં સરકારમાં દરખાસ્ત કરવામાં આવનાર છે અને શાસ્ત્રીમેદાનનાં ડેવલપમેન્ટ ખર્ચ માટે ગ્રાન્ટની પણ માંગણી કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો