Placeholder canvas

રાજકોટ સિવિલમાં દારૂ ઢીંચીને દર્દીની સારવાર કરતા તબીબને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપ્યો

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીને આધારે સિવિલ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો ઝડપાયો હતો. પોલીસે ડોક્ટર રૂમની તલાશી લેતા તેના કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ પત્રકાર પરિષદ યોજીને મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર પોતાની ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતો. એ સમયે ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં મળી આવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડો.સાહિલ ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો, જ્યાં લાકડાંના કબાટમાં તેનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડો.ખોખર ચારેક વર્ષથી કરારી તબીબ તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસ પાસે કબુલ્યું છે કે તે જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. હાલ સમગ્ર મામલે FIR ફાઈલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો