skip to content

રાજકોટ: નશામાં ધૂત બે પેસેન્જરે પટેલ ટ્રાવેલ્સ બસના કાચ તોડ્યા

અમદાવાદ હાઇવે પર આઈઓસી નજીક નશામાં ધૂત બે પેસેન્જરે પટેલ ટ્રાવેલ્સ બસના કાચ તોડ્યા હતા. અમદાવાદથી આવતી બસમાં સાયલથી બન્ને બેઠા બાદ બસમાં અપશબ્દો બોલતા માથાકૂટ થઈ હતી જેમાં એક પેસેન્જરને ફડાકો માર્યો હતો અને ડ્રાઇવર ક્લીનરને ઢીકા પાટુનો માર માર્યો હતો. રાજકોટ જવું છે તેમ કહી બસમાં બેઠેલા બે અજાણ્યા શખ્સો સામે કુવાડવા રોડ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

અમદાવાદના સેટેલાઈટ નજીક આવેલા આનંદનગરમાં રહેતા અને પટેલ ટ્રાવેલ્સમાં ડ્રાઈવિંગ કરતા મૂળ રાજસ્થનના દુર્જનસિંગ હમીરસિંગ ચૌહાણ (ઉં.વ.૩૫) આજે ટ્રાવેલ્સ બસ લઈ ક્લિનર રાકેશ મીણા (રહે.અમદાવાદ) સાથે નીકળ્યા હતા. જામનગર રૂટની ટ્રાવેલ્સમાં પેસેન્જર ભરેલા હોય સાયલા પાસે પહોંચતા બે અજાણ્યા શખ્સો પેસેન્જર તરીકે રાજકોટ જવાનું કહી બેઠા હતા. જે બન્ને શખ્સ નશાની હાલતમાં હોવાનું જણાયું, બન્ને બસમાં પાછળ બેઠા હતા. બસ માલીયાસણ આગળ પહોંચતા બન્ને શખ્સો બસમાં અંદરોઅંદર ફોનમાં મોટા અવાજે અપશબ્દો બોલવા લાગ્યા હતા.

બસમાં બેસેલા અન્ય લોકોએ ગાળો બોલવાની ના પાડતા બન્ને ઉશ્કેરાયા હતા અને હાર્દિકભાઈ દેસાઈ નામના પેસેન્જરને ફડાકા મારી દીધા હતા પછી આઈઓસી પ્લાન્ટની સામે બસ ઉભી રાખવાનું કહ્યું, બસ ઉભી રખતા અમારે અહીં ઉતરવું નથી. અમારે આગળ ઉતરવું છે તેમ કહી ચાલક દુર્જનસિંગ સાથે બોલાચાલી કરી હતી. બસ આગળ જવા દેતા થોડે દૂર બાઈકમાં એક શખ્સ આવેલો તેણે બસ ઉભી રખવી જેથી આ બન્ને શખ્સો ત્યાં ઉતર્યા અને બસચાલક અને ક્લિનરને માર મારી બસનું વાઈપર લઈ બસના આગળના કાચમાં મારતા તિરાડ પડી ગઈ હતી. આ ઝપાઝપી દરમિયાન ક્લિનરના ખિસ્સામાં રહેલ ચારેક હજારની રોકડ પડી ગઈ હોવાનો આક્ષેપ પણ થયો છે.

પછી બન્ને બાઈક પર આવેલા શખ્સ સાથે રાજકોટ તરફ જતા રહ્યા હતા. દુર્જનસિંગે તેંમના મેનેજરને જાણ કરતા પોલીસ આવી ગઈ હતી. બાદમાં તમામ કુવાડવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ ઘટના કોઈ પેસેન્જરે કેમેરામાં કેદ કરી લીધી હતી. જે સોશ્યલ મીડિયામાં વાયલ થઈ હતી. હાલ પોલીસે ગુનો દાખલ કરી ફરાર બન્ને નશાખોરોને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો