રાજકોટ: વીરબાઈ મહિલા કોલેજના અધ્યાપકે બે છાત્રાઓ પાસે બિભત્સ માગણી કરતા ખળભળાટ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજના વિજ્ઞાન પ્રવાહના અધ્યાપકે બે છાત્રાઓ પાસે બિભત્સ માગણી કરતા ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. ગત સપ્ટેમ્બર માસની આ ઘટના સંદર્ભે સંસ્થાના પ્રિન્સીપાલ ગણાત્રા દ્વારા આ પ્રકરણમાં તપાસ નિમી રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવેલ છે. જે હવે આ સંસ્થાના ટ્રસ્ટી મંડળને સોંપવામાં આવનાર છે.
અહીં એ ઉલ્લેખનીય છે ,કે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં અમુક અધ્યાપકોના તપેલા ચડી ગયા હતા. જે બાદ હવે શહેરની પ્રતિષ્ઠીત એવી વીરબાઈમા મહિલા કોલેજમાં પણ બીએસસીમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ વિજ્ઞાન પ્રવાહના અધ્યાપક સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
જેમાં આ અધ્યાપકે આ વિદ્યાર્થીનીઓ પાસે બિભત્સ માગણી કર્યાનું કહેવાય છે. ગત સપ્ટેમ્બર માસમાં ઘટેલી આ ઘટનામાં વિદ્યાર્થીનીઓએ સંસ્થામાં એન્ટી સેક્યુઅલ હેરેસમેન્ટ કમિટીને ફરિયાદ કરતા સંસ્થાના પ્રિન્સીપાલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જે પૂર્ણ થતાની સાથે જ પ્રિન્સીપાલ ગણાત્રા દ્વારા આ પ્રકરણનો રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં વીરબાઈમા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ગણાત્રાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસમાં આ મામલે વિદ્યાર્થીનીઓની ફરિયાદ અરજી મળતા તુરત જ તપાસ શરુ કરી દેવામાં આવી હતી. આ સમયે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ચાલતી હતી. વિદ્યાર્થીઓની પરીક્ષા વધુ મહત્વની છે. હવે આ મામલે તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવેલ છે.
જે સંસ્થાના ટ્રસ્ટી મંડળ સામે મુકવામાં આવશે. પ્રિન્સીપાલ ગણાત્રાએ વિશેષમાં જણાવ્યું હતું કે, ફરિયાદ અરજી દબાવી રાખવાનો કોઇ સવાલ ઉભો થતો નથી. આ પ્રકરણમાં આ બંને વિદ્યાર્થીનીઓને એર્ક્સ્ટનલ માર્કસ પૂરા આપવાની લાલચ આપીને બિભત્સ માગણી અધ્યાપકે કરી દબાણ કર્યાની ચર્ચા જાગી છે.
ત્યારે વધુ પ્રકાશ ફેંકતા આ સંસ્થાના પ્રિન્સીપાલ ગણાત્રાએ એમ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ પર આ મામલે દબાણ થયાની વાત સાથે તેઓ સંમત થતા નથી. આ અંગેનો રિપોર્ટ સંસ્થાના ટ્રસ્ટી મંડળ સામે મુકાયા બાદ કાર્યવાહી થશે.
વીરબાઈમા મહિલા કોલેજમાં બે વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ ગુણો આપવાની લાલચ આપી એક અધ્યાપક સંજય તેરૈયાએ આ વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી કરી હોવાની ફરિયાદના ત્રણ માસ પછી આ અધ્યાપક સામે હજુ કોઇ પગલા લેવાયા નથી તે ઉચ્ચ શિક્ષણ જગત માટે શર્મશાર ઘટના છે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા રોહિત રાજપુતે જણાવી આ પ્રકરણમાં લંપટ અધ્યાપક સંજય તેરૈયા અને પ્રિન્સીપાલ ગણાત્રાને તાત્કાલીક અસરથી બરતરફ કરવા માંગ ઉઠાવી આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી છે. રોહિત રાજપૂતે જણાવ્યું છે કે આ મામલે ત્રણ-ત્રણ મહિના પહેલા અરજી બાદ કાર્યવાહી કરવાને બદલે તેને દબાવી રાખવામાં આવી છે.
તેનો સીધો મતલબ એ જ થાય છે કે પ્રિન્સીપાલ ગણાત્રા અધ્યાપકને છાવરતા હતા. નિયમ મુજબ કોલેજ કક્ષાએ જે પણ ફરિયાદી એન્ટી સેક્સયુઅલ હેરીસમેન્ટ કમિટીમાં અરજી કર્યા બાદ તાત્કાલીક તપાસ કમિટીનું ગઠન કરીને સંલગ્ન યુનિવર્સિટી અને મહિલા આયોગમાં આ અંગેની જાણ કરવાની હોય છે. પરંતુ આ કિસ્સામાં ખુદ પ્રિન્સીપાલ જ આરોપીને મદદ કરવાનું કામ કર્યું છે

