રાજકોટનો લોકમેળો રદ: ધાર્મિક કાર્યક્રમોને પણ મંજુરી નહી
રાજકોટ શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં લોકપ્રિય એવો રાજકોટનો રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી અવસરે યોજાતો પાંચ દિવસનો લોકમેળો રાજકોટ જીલ્લા કલેકટર રૈમ્યા મોહને સતાવાર રીતે રદ કર્યો છે. સાથોસાથ ભાદરવા માસમાં આવી રહેલા ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી કરવામાં નહી આવે તેવુ જણાવતા ઉમેર્યુ હતું કે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ ધાર્મિક અથવા તો સામાજીક મેળાવડાઓ યોજી શકાતા નથી તે સંદર્ભે રાજકોટનો લોકમેળા સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાની મંજુરી આપવામાં નહી આવે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી અવસરે પાંચ દિવસનો યોજાતો લોકમેળો કદાચ પ્રથમ વખત કોઈ મહામારીના કારણે રદ કરવામાં આવ્યો હોય તેવો પ્રથમ બનાવ હશે. જીલ્લા કલેકટર તંત્ર આયોજીત રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસના યોજાતા લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન એક અંદાજ મુજબ 18થી20 લાખ વ્યક્તિઓ મેળાની મોજ માણવા ઉમટી પડે છે.
આ પાંચ દિવસના લોકમેળાનું આયોજન કરવા માટે કલેકટર તંત્ર દ્વારા બે માસ અગાઉ તૈયારીઓ શરુ કરવામાં આવે છે. 354 જેટલા રમકડાના સ્ટોલ, 45 જેટલા આઈસ્ક્રીમ ચોકઠા, 60થી વધારે યાંત્રીક આઈટેમના પ્લોટ અને પાંચ દિવસ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન લોકમેળામાં કરવામાં આવે છે. લોકમેળા થકી જીલ્લા કલેકટર તંત્રને દર વર્ષે સ્ટોલ પ્લોટની ભાડાની એકાદ કરોડની આવક થાય છે. આ આવકમાંથી સામાજીક કાર્યો તેમજ ઈશ્વરીયા પાર્કની જાળવણી કરવામાં આવે છે.
રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી અવસરે યોજાતા પાંચ દિવસના લોકમેળામાં આ વખતે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ ધાર્મિક કે સામાજીક મેળાવડા યોજવાની મનાઈ હોય વધારે વ્યક્તિઓ એકઠી કરી શકાતી નથી. આવી જોગવાઈઓને ધ્યાનમાં લઈ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી અવસરે યોજાતો લોકમેળો આ વખતે યોજવામાં નહી આવે. સાથોસાથ ધાર્મિક મહોત્સવ જેવા જન્માષ્ટમી અવસરે યોજવામાં આવતી શોભાયાત્રા, જાહેર રસ્તા પર કરવામાં આવતા મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજી શકાશે નહી.
તદઉપરાંત ભાદરવા માસમાં આવતા ગણેશ મહોત્સવનું પણ જાહેરમાં આયોજન કરી નહી શકાય. દરમ્યાન રાજકોટ શહેરમાં દર વર્ષે રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો આ વખતે કોરોના મહામારીના કારણે સતાવાર રીતે રદ કરવામાં આવ્યો છે. આ અગાઉ લોકમેળો રદ કરવામાં આવ્યો છે કે કેમ તે સંદર્ભની કોઈ જાણકારી નથી પરંતુ સંભવિત પણે પ્રથમ વખત કોઈ મહામારીના કારણે લોકમેળો રદ કરવામાં આવ્યો હોય તેવો રાજકોટ શહેરનો આ પ્રથમ બનાવ હશે તેવુ જાણકારો કહી રહ્યા છે. રાજકોટનો સતાવાર રીતે લોકમેળો રદ કરવામાં આવ્યો છે તેની સાથોસાથ શહેરમાં અન્ય સ્થળોએ યોજાતા ખાનગી મેળાઓનું આયોજન પણ કરી નહી શકાય તેવુ પણ અંતમાં જણાવાયું છે.