Placeholder canvas

રાજકોટ: ગૌવંશના મૃતદેહોના ઢગલા,1 કિમી દૂરથી માથું ફાટી જાય એવી દુર્ગંધ છે.

હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. લમ્પી વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પશુનાં મોત થયાં છે. ત્યારે રાજકોટના માલિયાસણ ગામ પાસે ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળત ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

રાજકોટ શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહ અહીં નાખવામાં આવતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અસંખ્ય પશુઓના મોત પાછળ લમ્પી વાયરસ કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય છે. હાલ તો મ્યુનિ.ની ટીમ માલિયાસણ ગામ પાસે પશુઓના મૃતદેહો પડ્યા છે ત્યાં પહોંચી છે. જોકે એક કિલોમીટર દૂરથી જ માથુ ફાટી જાય એવી દુર્ગંધ આવી રહી છે.

માલિયાસણ ગામના લોકોના જણાવ્યા મુજબ લમ્પી વાયરસથી 200 ગાયના મૃતદેહ અહીં આવ્યા છે. રાજકોટ મનપાએ જ આ જગ્યા પશુઓના પશુઓના મૃતદેહો માટે ફાળવી છે. પરંતુ મનપાની ટીમ અને અન્ય લોકો મૃતદેહોની દફનવિધિ કરવાને બદલે એમ ને એમ મૂકીને જતા રહે છે. આજે મનપાની ટીમ સાંજે દોડી આવી અને જેસીબીની મદદથી ઊંડા ખાડા કરી ગાય, ગૌવંશ, વાછરડાના મૃતદેહોને દફનાવી રહ્યા છે.

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી રોજ મોટી સંખ્યામાં પશુઓના મૃતદેહો આવી રહ્યા છે. છકડો રિક્ષા અને યુટીલીટીમાં પશુઓના મૃતદેહો આવી રહ્યા છે અને દિવસ-રાત અહીં પશુઓના મૃતદેહો ઠલાવાય રહ્યા છે. એક રિક્ષામાં જેટલા મૃતદેહો ભરાય તેટલા ભરાયને આવી રહ્યા છે. આથી પશુઓના મૃતદેહોનો થોડા જ દિવસોમાં ઢગલો થઈ ગયો છે.

આ સમાચારને શેર કરો