પતિને માર મારી મોતને ઘાટ ઉતારી દેનાર સિવિલના સ્ટાફ સામે ગુનો નોંધો: મૃતકની પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ

જો ઝડપથી ન્યાય નહીં મળે તો બે નાના બાળકો સાથે કમિશનર કચેરીમાં કરશે અનશન: આર્થિક સહાય ચૂકવવા સરકાર પાસે માગણી
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં તેને માર મારવામાં આવતો હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મૃત્યુને ભેટનાર દર્દીના પત્નીએ આજે તેના પતિને માર મારનારા સિવિલ હોસ્પિટલના સ્ટાફ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાથે સાથે જો તેને ઝડપથી ન્યાય મળે તો બે નાના બાળકો સાથે કમિશનર કચેરીમાં અનશન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ મહિલાએ એવી પણ માગણી કરી છે કે તેના પતિનું અવસાન થતાં તેની આર્થિક સ્થિતિ બદતર થઈ ગઈ હોવાને કારણે સરકાર દ્વારા તેને આર્થિક સહાય ચૂકવવામાં આવવી જોઈએ.

આ બનાવની પોલીસ ફરિયાદ ઉપરાંત મૃતક પ્રભાકર પાટીલના પત્ની સપના પાટીલે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ, ભાજપ પ્રદેશ પ્રમુખ, પોલીસ કમિશનર, કલેક્ટર સહિતનાને અરજીની નકલ રવાના કરી છે. આ અરજીમાં જણાવાયું છે કે તેના પતિ પ્રભાકર ભાઈદાસ પાટીલ એચ.જે.સ્ટીલ કંપનીમાં મજૂરીકામ કરતા હતા. તેણે 1-9-2020 સુધી નોકરી કરી હતી. તેઓ નિર્વ્યસની તેમજ તંદુરસ્ત અને કોઈ પણ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લેતાં નહોતા. તેઓને પેટની બીમારી હોવાને લીધે ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રિપોર્ટ આવ્યા પછી એમની કિડનીની સારવાર શરૂ કરાવી હતી. એ પછી તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટી આવતાં તા.8-9-2020ના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પછી અવારનવાર ડોક્ટરોનો સંપર્ક સાધતાં દર વખતે એમ જ જણાવાયું હતું કે તેમના પતિની સ્થિતિ સારી અને નોર્મલ છે. આ પછી તા.12ના રોજ અચાનક એમ જાહેર કરાયું કે પ્રભાકર પાટીલનું મૃત્યુ નિપજ્યું છે. આ સાંભળી પરિવાર ભાંગી પડ્યો હતો. બાદમાં પતિને માર મારવામાં આવતો હોય તેવો વીડિયો સામે આવ્યા બાદ આભ તૂટી પડ્યું હતું. સપના પાટીલે કહ્યું કે તેના પતિને માર મારીને જ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે તેથી વીડિયોમાં દેખાતાં તમામ સ્ટાફ સામે ગુનો નોંધવા તેમણે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત તેણે એવી અપીલ કરી છે કે સરકારે તેની પરિસ્થિતિનો ખ્યાલ રાખી આર્થિક સહાય કરવી જોઈએ.
