રાજકોટ એસીડ એટેકમાં નવો ખુલાસો : ફરિયાદીએ સગાઇ તોડી નાખવા ધમકી આપતા હુમલો કર્યો
રાજકોટ: શહેરના માંડાડુંગર નજીક એસીડ એટેકના કથિત બનાવમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જોકે પોલીસ તપાસમાં કંઇક અલગ જ હકીકત સામે આવી છે. જેમાં જવલનશીલ પદાર્થ છાંટનાર આરોપીની સગાઇ થઇ હોય એ સંબંધને તોડી નાખવા ભોગ બનનાર ધમકીઓ આપી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. જોકે ફરીયાદીએ અત્યાર સુધી પોલીસને ગોળ ગોળ વાતો કરી હકીકત છુપાવી રાખી હતી.
અને જવલનશીલ પદાર્થ એસીડ નહીં પરંતુ કલર કામમાં ઉપયોગ લેવાતુ થીનર હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગઇકાલે આજીડેમ પોલીસે ઝડપી પાડેલા આરોપી નઇમ નુરમામદભાઇ ચાનીયા (ઉ.વ.19, રહે. રેલવે સ્ટેશન પાછળ, ખડીયા વિસ્તાર, મોરબી)ની પુછપરછમાં હકીકત સામે આવી હતી જેમાં નઇમની સગાઇ કોઠારીયા સોલવન્ટની એક યુવતી સાથે નકકી થઇ હતી જેથી ભોગ બનનાર અબલી ગુલમામદભાઇ પલેજાએ નઇમને ધમકી આપી હતી કે આ સગાઇ તોડી નાખજે અને આ તરફ દેખાતો નહીં જેનો ખાર રાખી નઇમ અને તેની સાથેના બે સગીર આરોપી અબલી પાસે પહોંચ્યા હતા જયાં વાત વાતમાં મામલો માથાકુટ સુધી પહોંચી જતા નઇમે એક બોટલમાં લાવેલ થીનર અબલીના ચહેરા પર ફેંકયુ હતુ અને ત્રણેય ફરાર થઇ ગયા હતા. ઘટનામાં અબલીના મિત્ર અફઝલ યુસુફખાન પઠાણને પણ થીનરના છાંટા ઉડતા તે પણ સારવાર હેઠળ છે.
આજી ડેમ પોલીસના તપાસકર્તા અધિકારી-કર્મચારીઓને પ્રથમથી જ રીક્ષા ભાડે કરી વગર કારણે જવલનશીલ પદાર્થ છાંટયાની વાત ગળે ઉતરતી નહોતી જેથી સીસીટીવી ફુટેજ અને અન્ય પુરાવા કબ્જે કર્યા હતા. એવામાં ફેસબુક પર માથાકુટ થયાની કથિત સ્ટોરી પણ સામે આવી હતી જોકે એ પણ હકીકત વગરની હતી. પોલીસે જણાવ્યા મુજબ જવલનશીલ પદાર્થથી દાઝી ગયેલો અબલી હજુ સારવાર હેઠળ છે, તેને ડિસ્ચાર્જ મળે પછી પ્રેમ પ્રકરણમા: આ બનાવ બન્યો કે શું ? તે અંગે તપાસ થશે ઝડપાયેલા બે સગીર આરોપીઓને પોલીસે બાળ અદાલત સમક્ષ રજુ કરવા તજવીજ હાથ ધરી છે.