રાજકોટ સિવિલમાં 90 ખાનગી ટોપ મોસ્ટ તબીબોને ખાસ ફરજમાં ઉતારી દેતા કલેકટર

રાજકોટ શહેરની સીવીલ હોસ્પીટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની ચાલી રહેલી સારવારમાં હવે શહેરના ટોપ મોસ્ટ મનાતા 90 જેટલા ફીઝીશ્યનો, નેફ્રોલોજીસ્ટો, ઈન્સેટીવીટીસ્ટો અને એનેસ્થેસીયાના તબીબોની સારવાર ફરજીયાત લેવામાં આવશે તેવું રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવતા ઉમેર્યુ હતું કે 90 જેટલા તબીબોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

દરરોજ ત્રણ-ત્રણ ડોકટરો સીવીલ હોસ્પીટલના તબીબોની સાથે રાખીને કોરોના પોઝીટીવની ક્રીટીકલ દર્દીઓની સારવારની સૂચનાઓ આપશે. રાજકોટ શહેરની સીવીલ હોસ્પીટલમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા પાંચ જેટલા કોરોના પોઝીટીવ વોર્ડમાં હાલ 512 દર્દીઓને સારવાર આપી શકાય તે માટેની સગવડતા ઉપલબ્ધ કરવામાં આવી હતી. 170થી વધારે વેન્ટીલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

સાથોસાથ તાજેતરમાં વધારાના વોર્ડ નં.7 અને 10માં પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર થાય તે માટે બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ બેડ પર ઓકસીજન પાઈપલાઈનનું કામ પુરુ કરી દેવામાં આવ્યું છે. સીવીલ હોસ્પીટલના તબીબો રાત-દિવસ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. રાજકોટ સીવીલ હોસ્પીટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં આસી. પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર તેમજ નિવાસી તબીબો કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમાં હવે વધારે સગવડતા મળે તે માટે રાજકોટ શહેરના 90 જેટલા ટોપમોસ્ટ તબીબોને સીવીલ હોસ્પીટલમાં સારવાર આપવા માટે કહેવામાં આવ્યું છે.

દરરોજ ત્રણ તબીબો સીવીલના ડોકટરો સાથે રહીને સારવાર આપશે જેમાં એક ફીઝીશ્યન, એક ઈન્ટેસીવીટીસ્ટ અને એક નેફ્રોલોજીસ્ટનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ તબીબો સવારથી સાંજ સુધી સીવીલમાં સારવાર આપશે. આ માટે એક મહીના સુધીમાં 90 જેટલા તબીબો સીવીલ હોસ્પીટલના ડોકટરોની સાથે રહીને કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરશે.

આ સમાચારને શેર કરો