રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસનો રૂા.2111નો રેકોર્ડબ્રેક ભાવ: ખેડુતો ખુશ
રાજકોટ: કપાસ-રૂના ભાવમાં કેટલાંક દિવસોથી શરુ થયેલો ભાવવધારાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હોય તેમ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની રૂ.2111ના ઉંચા ભાવે હરરાજી થઈ હતી. આજે યાર્ડમાં રેકોર્ડબ્રેક ભાવ જોવા મળ્યો હતો. આજે કપાસના 1500 થી 2111 સુધીના ભાવ પડયા હતા.
વેપારીઓના કહેવા પ્રમાણે કપાસના સતત વધતા ભાવથી ખેડુતો ખુશ છે. યાર્ડમાં ઠલવાતો તમામ માલ વેચાય જાય છે. રૂમાં એકધારી તેજીને કારણે કપાસના સારા ભાવ મળી રહ્યા છે. મીલો તથા નિકાસકારો સતત લેવાલ બની રહ્યા છે. વિશ્ર્વબજારોમાં પણ સતત તેજીનો ટ્રેન્ડ છે. રૂની ગાંસડીનો ભાવ 73000 થી 73500 થઈ ગયો છે.