Placeholder canvas

રાજકોટમાં હવે કોરોનાએ મોઢુ ફાડયુ : 8ના મોત

રાજકોટ : શહેર અને જીલ્લામાં છેલ્લા 3 અઠવાડિયાથી કોરોના સંક્રમણ વધી રહયુ છે. છેલ્લા બે દિવસ દરમ્યાન કોરોનાનો મૃત્યુ દર પણ વધ્યો છે. ગઇકાલે કોરોનાથી 6 ના મોત બાદ આજે સતત બીજા દિવસે કોરોનાના કારણે 8 વ્યકિતઓના મોત નીપજયાનું બહાર આવ્યુ છે. ગઇકાલે જે 6 મોત જાહેર કરવામાં આવ્યા હતા તેમાં ડેથ ઓડીટ કમીટીએ સતાવાર રીતે કોરોનાના કારણે 2 વ્યકિતઓના મોત દર્શાવ્યા હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ શહેર અને જીલ્લામાં માર્ચ માસના અંતમાં ગત વર્ષ જેવી પરીસ્થીતી ઉભી થતી જાય છે. કોરોના સંક્રમણ સતત વધુત જાય છે. શહેર અને જીલ્લામાં 150 થી વધારે કોરોના પોઝીટીવ વ્યકિતઓ નોંધાય રહયા છે. ગઇકાલે કોરોનાથી 6 વ્યકિતઓના મોત થયા બાદ આજે સતત બીજા દિવસે કોરોનાના 8 મોત નોંધાયા હોવાનું જણાવાયુ છે.

રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાનમાં 605 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેર અને જીલ્લામાં 500 થી વધારે એકટીવ કેસો બહાર આવ્યા છે. 1500 બેડમાંથી 1000 બેડ ઉપલબ્ધ હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ છે.

દરમ્યાન રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણ ખાળવા માટે થઇને પોઝીટીવ વ્યકિતઓના મકાનોને કનટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તેમાં કણકોટ, ખીરસરા, શાપર-વેરાવળ અને વીરપુર સહીતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારી અધીકારીઓના દાવા મુજબ કોરોના સંક્રમણ કાબુમાં છે કોઇ ભયજનક પરિસ્થિતી નથી અને શહેર અને જીલ્લામાં પુરતા કોરોના બેડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આજે સતત બીજા દિવસે રાજકોટમાં કોરોનાથી 8 ના મોત થતા લોકોના જીવ પડીકે બંધાયા હોવાનું બહાર આવ્યુ છે.

આ સમાચારને શેર કરો