Placeholder canvas

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ: વીજળી પડતા 3ના મોત

ગુજરાતમાં કેટલાક દિવસથી પણ ભરઉનાળે વરસાદી માહોલ જામી રહ્યો છે. શુક્રવારે પણ ઉત્તર ગુજરાત, ભુજ અને રાજકોટના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ક્યાંક કરા સાથે માવઠું પણ પડ્યું. કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બહુચરાજી અને પાલનપુરમાં વીજળી પડવાને કારણે બેનાં મોત થયા અને એકની સ્થિતિ ગંભીર છે. 

પાલનપુરમાં 15 વર્ષીય જવાનસિંહ સોલંકી ખેતરથી ઘરે આવી રહ્યો હતો ત્યારે વીજળી પડતા મોત નીપજ્યું હતું. જ્યારે રાણકી વાવમાં ચાર મિત્રો લીમડાના વૃક્ષની નીચે બેઠા હતા. સંદીપ પ્રજાપતિ (25) અને રોહિત મેવાડા (30) પર વીજળી પડી હતી. જેમાં સંદીપનું મોત નીપજ્યું હતું. ભૂજના અંજારમાં રતનાલવાડીમાં 35 વર્ષીય બાબુ રામનું વીજળી પડતાં મોત થયું.

જ્યારે રાજકોટમાં ભારે પવન સાથે એક કલાક વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચાર ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું. છેલ્લા 43 દિવસમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. પાંચેય જિલ્લાના 50% સુધીના વિસ્તારમાં 2.5 મીમીથી લઈ અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ સાથે પ્રતિ કલાકે 40 કિલોમીટર સુધીનો ભારે પવન અને ગાજવીજ થવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો