Placeholder canvas

મોરબીમાં જ્ઞાન સહાયકની ભરતી મામલે TET-TAT પાસ ઉમેદવારમાં વિરોધ: કાયમી શિક્ષકની ભરતીની માંગ

ટેટ-ટાટ પાસ કરેલ ૨૬,૫૦૦ ઉમેદવારોને જ્ઞાન સહાયક/કરાર આધારિત શિક્ષકોને બદલે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે ગુજરાતનું દરેક બાળક ગુણવત્તાયુવક વિશ્વ સ્તરીય શિક્ષણ મેળવે તેવા હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્ણ ઘડતર માટે કાયમી શિક્ષકની ભરતી ખુબ જરૂરી છે તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ૨૬,૫૦૦ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે

જેમાં ૧૧ માસના કરાર આધારિત શિક્ષકોને નિમણુક આપવામાં આવશે જે ગુજરાતના બાળકો અને રાજ્યના ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં નથી જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન સેવતા હજારો યુવાનોનું સ્વપ્ન રોળાઈ જશે અને ભવિષ્ય અંધકારમય બની જશે

ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાળ હિત અને હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારોના ઘરમાં કાયમી શિક્ષકની ભરતીરૂપી રોજગારીનો દીવો પ્રજ્વલિત કરવા ૨૬,૫૦૦ જ્ઞાન સહાયક, કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આ સમાચારને શેર કરો