માદરે વતન આવી પહોંચેલા વડાપ્રધાન મોદીને રોડ શોમાં લોકોએ ફૂલડે વધાવાયા
ઉત્તરપ્રદેશ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપની જ્વલંત જીત થયા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન અમદાવાદ આવી પહોંચ્યા હોવાથી આજથી બે દિવસ સુધી આખું અમદાવાદ મોદીમય બની રહેશે. આજે એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ ત્યાંથી કમલમ સુધી ભાજપના ભવ્યાતિભવ્ય રોડ શોમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા.
એકંદરે કોરોનાકાળ પછી વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા હોવાથી તેમના વેલકમ માટે લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ભવ્ય રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સીધા પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાં દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કર્યા બાદ ત્યાંથી રાજભવન પહોંચ્યા હતા અને ત્યાંથી જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપી હતી.
આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સરકાર દ્વારા કોરોના પ્રોટોકોલ પ્રમાણે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાજેતરમાં જ યુક્રેનથી હેમખેમ પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ એરપોર્ટની બહાર ઉભા રહીને પ્લેકાર્ડથી વડાપ્રધાનનું અભિવાદન પણ કર્યું હતું. ત્યારબાદ રોડ શો વખતે વિદ્યાર્થીઓ માટે બનાવાયેલા સ્ટેજ પર ઉભા રહીને તેઓ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. દરમિયાન અનેક વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાનના ફોટાવાળા ટી-શર્ટ પહેરીને પણ ઉભેલા જોવા મળ્યા હતા.
જાણવા મળ્યા પ્રમાણે મોદીના અત્યાર સુધીના સૌથી મોટા રોડ શોમાં ચાર લાખથી વધુ લોકો હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોદીને આવકારવા માટે અલગ-અલગ સમાજ-સંસ્થાઓ, એનજીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. રોડ શો પૂર્ણ કર્યા બાદ મોદીએ કમલમમાં નેતાઓ સાથે બેઠક કરી હતી અને ત્યાંથી સરપંચ સંમેલનમાં પહોંચ્યા હતા જ્યાં દોઢ લાખથી વધુની મેદની એકઠી થવા પામી છે.
બીજી બાજુ આજે મોદી ગુજરાત આવ્યા હોવાથી વિધાનસભાનું સત્ર પણ મળશે નહીં. આજે આખી સરકાર મોદીની આગતા-સ્વાગતામાં વ્યસ્ત હોવાથી સત્રમાં આજે એક દિવસની રજા રાખવામાં આવશે જે 16મી માર્ચે મળનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાટે 6000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિવિધ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં તેઓ સુરક્ષા-વ્યવસ્થા સંભાળી રહ્યા છે.