Placeholder canvas

રાજકોટમાં કાલથી પ્લાસ્ટીક પર પ્રતિબંધ…

પ્લેટ, કપ, ગ્લાસ, સ્ટ્રો, ઇયરબર્ડસ, સ્ટીકસ વી. વાપરી નહિ શકાય.

સરકારના જાહેરનામાનો અમલ કરાવવા મહાપાલિકા તૈયાર : ઉત્પાદન, વેંચાણ, ઉપયોગ કરનારા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહીની તૈયારી
રાજકોટ: સમગ્ર દેશ અને રાજયમાં કાલથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધનો અમલ થવાનો છે ત્યારે રાજકોટમાં પણ આવી પ્લાસ્ટીક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વેંચાણ પર પ્રતિબંધનો અમલ કરવામાં આવશે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનજમેન્ટ નિયમો, 2016ના સુધારેલ નિયમ 4(2) મુજબ પોલીસ્ટાયરીન અને એક્ષ્પાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડીટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ 1લી જુલાઈ, 2022 થી પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે. જે વસ્તુઓ પ્રતિબંધની યાદીમાં આવે છે તેમાં પ્લાસ્ટિક સ્ટીક સાથે ઈયરબર્ડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક દાંડી,પ્લાસ્ટિક ધ્વજ,કેન્ડી સ્ટીક્સ,આઈસક્રીમ દાંડી, પોલીસ્ટાઈરીન (થર્મોકોલ)ની સજાવટની સામગ્રી સામેલ છે.

આ ઉપરાંત પ્લાસ્ટીકની પ્લેટો, કપ, ગ્લાસ, કાંટા ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલેરી, મીઠાઈના ડબ્બા, નિમંત્રણ કાર્ડ, તથા સિગારેટ પેકેટની આજુ-બાજુ પેક કરવા માટેની ફિલ્મ, 100 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિકના વેંચાણ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તા.17 જુનના રોજ કમિશ્નરે જાહેરનામું બહાર પાડયું હતું. કેન્દ્રના વનપર્યાવરણ વિભાગના જાહેરનામાનો તા.1-7થી અમલ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જુદી જુદી પ્લાસ્ટીકની નાની મોટી વસ્તુઓના વેચાણ, ઉત્પાદન બંધ કરવાની જોગવાઇ આ હુકમમાં છે.

જેનું પાલન નહીં કરનાર વેપારીઓ સામે પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરમાં દાયકા અગાઉ પ્લાસ્ટીકના ઝબલા સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેનો અમલ હજુ ચાલુ છે. મનપાની રોજિંદી કામગીરીમાં 40 માઇક્રોનથી હેઠળ ઝબલા જપ્ત કરીને વેપારીઓને દંડ પણ કરવામાં આવે છે. હવે સરકારના નવા જાહેરનામાથી વધુ વસ્તુઓ પ્રતિબંધીતની યાદીમાં આવી છે.

આ રસ્તે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણની રક્ષા કરવાનો અમલ થઇ રહ્યો છે. તેનાથી પશુઓને પણ ખુબ નુકસાન થઇ રહ્યું છે. મનપાએ કિસાનપરા ચોક ખાતે ‘પ્લાસ્ટીકાય સ્વાહા-2.0’ કાર્યક્રમ યોજીને લોકોને ઇનામના રસ્તે પ્રોત્સાહન પણ જાહેર કર્યું છે. હવે નવા નિયમ મુજબ પોલીસ્ટાયરીન અને એક્ષ્પાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતના સીંગલ યુઝ પ્લાસ્ટીક કોમોડીટીનું ઉત્પાદન, આયાત, વેંચાણ કાલથી જ પ્રતિબંધિત રહેશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો