Placeholder canvas

રાજકોટ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અન્યને બચાવવા કરે છે પ્લાઝમા ડોનેટ

કીડની,લીવરની તકલીફવાળા દર્દીને રેમડેસિવિર અપાતી નથી ત્યારે પ્લાઝમા થાય છે ઉપયોગી,

સિવિલમાં પખવાડિયામાં ૧૪૦થી વધુ દર્દીઓને પ્લાઝમા સારવાર, આડઅસર વગરની સારવાર હોય ખાનગી હોસ્પિટલોમાં પણ માંગ

રાજકોટ: મહામારીના ગાઢ અંધકારમાં પણ આશાનું કિરણ છુપાયેલું છે. એક તરફ મહામારીથી લોકો મોતને ભેટી રહ્યા છે, હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે બીજી તરફ અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મહામારી ટોચ પર પહોંચી ત્યારે કોરોનાની ઝપટે ચડેલા અને સાજા થયેલા દર્દીઓ હવે હાલના દર્દીઓ સાજા થાય તે માટે સ્વેચ્છાએ તેમના શરીરમાં કુદરતી પેદા થયેલ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ગત એક વર્ષમાં ૬૦૦ દર્દીઓને અને હવે પંદર દિવસમાં જ ૧૪૦થી વધુ દર્દીઓને પ્લાઝમા સારવાર અપાઈ છે.

પ્લાઝમા એ કોરોના સામે શરીરને રક્ષણ આપતું તત્વ એન્ટીબોડી છે. તે લોહીમાં હોય છે. તેમણે જણાવ્યું કે આ એન્ટીબોડી મનુષ્યને બે પ્રકારે આવતું હોય છે (૧) વેક્સીન લેવાથી. તે સ્પાઈક પ્રોટીન હોય છે અને તેનો આંક ઉંચો હોય છે પરંતુ, તેનાથી જે તે વ્યક્તિને કોરોનાથી સુરક્ષા મળે છે પરંતુ, તે અન્ય કોરોના દર્દીને આપી શકાતું નથી. (૨) કુદરતી રીતે શરીરમાં આવતું એન્ટીબોડી. જે આઈજીજી કે આઈજીએમથી મપાય છે. રાજકોટમાં આઈજીજી મપાય છે અને તે એન્ટીબોડી કોરોનાથી સાજા થયેલા દર્દીમાં આવે છે. જે બીજા દર્દીને બચાવવા માટે ઉપયોગી થાય છે અને તે ડોનેટ કરી શકાય છે.

એક તરફ રેમડેસિવિરની ગંભીર આડઅસરો પણ થાય છે અને મોડરેટ દર્દીમાં કે જેણે થોડુઘણુ ઈન્ફેક્શન ફેફસાંમાં થઈ ગયું હોય તેમાં જો દર્દી ખાસ કરીને કિડનીની તેમજ લીવરની બિમારીથી પીડાતા હોય તો આ ઈન્જેક્શનથી આડઅસર ગંભીર બનવાનું જોખમ છે. આ કારણે આવા દર્દીને ઈન્જેક્શન આપી શકાતું નથી પણ પ્લાઝમા ચડાવી શકાય છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હવે પ્લાઝમા ડોનરના એન્ટીબોડી ટેસ્ટ ઉપરાંત કોરોના રિપોર્ટ પણ લેવાય છે. છ મહિનામાં કોરોના થયો હોય તેમના એન્ટીબોડી એટલે કે પ્લાઝમા લેવાય છે. જો વ્યક્તિના શરીરમાં બન્ને પ્રકારના, વેક્સીનથી અને કુદરતી એન્ટીબોડી હોય તો કુદરતી એન્ટીબોડી આઈજીજી ટેસ્ટથી જાણી શકાય છે.

પ્લાઝમા સારવારની પધ્ધતિ તદ્દન સરળ છે (૧) કોરોનાથી સાજા થયાના ૨૮ દિવસ બાદ વ્યક્તિનો એન્ટીબોડી ટેસ્ટ થાય (૨) તે પોઝીટીવ આવે તો તેનું પ્લાઝમા લેવાય જેમાં લોહીના રક્તકણ,શ્વેતકણ તેના શરીરમાં જ રહે પણ લોહીની અંદર રહેલ માત્ર પ્લાઝમા જ લેવાય છે. અને તેનાથી ડોનરને કોઈ જ નુક્શાન થતું નથી. (૩) આ પ્લાઝમા કોરોના સારવાર લેતા દર્દીના શરીરમાં સીરીંઝથી દાખલ કરાય જેનાથી તેનું શરીર કોરોના સામે લડવા વધુ સક્ષમ બની શકે.આ કારણે જ રાજકોટ શહેરમાં કેટલાક દર્દીઓ તો લાગલગાટ સાત મહિનાથી દર પંદર દિવસે સતત પ્લાઝમા ડોનેટ કરતા રહ્યા છે.

કોરોના સંક્રમણની એક પોઝીટીવ વાત એ છે કે અગાઉ ૮૦થી ૮૫ ટકા લોકોમાં કુદરતી એન્ટીબોડી આવતું હતું અને હવે ૯૫ ટકા સુધીના દર્દીમાં એન્ટીબોડી હોય છે, યુવાનોમાં કોરોનાના કેસો વધ્યા પણ તેમનામાં એન્ટીબોડી એટલે કે કોરોના સામેનું કુદરતનું સુરક્ષાચક્ર પણ સારુ થાય છે.

કોરોના મનુષ્યના કારણે સર્જાયો કે કુદરતના કારણે, પણ ઈશ્વરે કોરોના સામે પણ લડવાની ક્ષમતા શરીરમાં પહેલેથી જ મુકી છે, આ કારણે કોરોનાથી મોટાભાગના માણસો સાજા થાય છે અને સાજા થયેલા દર્દીને ફરી મહિનાઓ સુધી કોરોના થતો નથી.

આ સમાચારને શેર કરો