બેડની માફક ઓક્સિજન સીલિન્ડરની ભારે તંગી

  • હોમ આઇસોલેશન દર્દીઓના પરિવારજનોની પીડા કોણ સાંભળે
  • સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સરકારી તંત્રનું સંકલન ન હોવાથી ઓક્સિજન સીલિન્ડર માટે ઠેર-ઠેર રઝળપાટ

રાજકોટ : ”છેલ્લા બે દિવસથી ઓક્સિજન સિલિન્ડર માટે જૂદા – જૂદા સ્થળે દોડીએ છીએ પણ ઓક્સિજન સિલિન્ડર મળતો નથી. સરકારી તંત્રનું ઓક્સિજન પુરવઠા ઉપર કોઇ પ્રકારનું નિયંત્રણ નહીં હોવાને લીેધે દર્દીઓના પરિવારજનો ઓક્સિજન સિલિન્ડર માટે ઠેર – ઠેર દોડતા રહે છે.” આ પ્રકારની લાગણી આજે ઓક્સિજન સિલિન્ડર માટે ઉનાળાના આકરા તાપમાં રઝળપાટ કરી રહેલાં હોમ આઇસોલેશન દર્દીઓના સ્વજનોએ વ્યક્ત કરી રહયા છે.

રાજકોટમાં ખાનગી કે સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને બેડ મળતા નહીં હોવાથી મોટાભાગના દર્દીઓને પોતાના ઘરમાં હોલ આઇસોલેશનમાં રહેવાની ફરજ પડી છે. જેમાં બ્લડ પ્રેસર અને ડાયાબીટીસની બિમારી ભોગવતા દર્દીઓનું ઓક્સિજન લેવલ જાળવવા માટે ઓક્સિજન સિલિન્ડરની ખાસ જરૂર પડે છે. પરંતુ આ સિલિન્ડર માટે એકદા – બે સ્વૈચ્છીક સંસ્થા સિવાય બીજે ક્યાંય મેળ પડતો નથી. છેલ્લા બે દિવસથી ઓક્સિજન સિલિન્ડર માટે હેરાન થતા દર્દીઓના સ્વજનોએ આજે રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડરની સર્જાયેલી અછતને કારણે દર્દીઓના પરિવારજનોની જે કફોડી સ્થિતિ સર્જાય છે. તે અંગે ચિંતાજનક વિગતો રજૂ કરી જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાવનગર, ગાંધીધામ અને મુંબઇથી ઓક્સિજનના સિલિન્ડર આવે છે બે દિવસ એક વખત ગાડી આવતી હોવાને લીધે ઓક્સિજન સિલિન્ડર લેવા માટે તડાપીટ બોલે છે. લાંબી લાઇનો લાગે છે કેટલાય લોકોને ઓક્સિજન સમયસર મળતો નથી.

જેમ ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિલ ઇન્જેકશન પુરા પાડવા માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. એ જ રીતે ઓક્સિજન સિલિન્ડર માટે પણ કન્ટ્રોલરૂમ શરૂ થવો જોઇએ. સરકારનું નિયંત્રણ હોય તો જ ઓક્સિજનની તંગી નિવારી શકાય. રાજકોટમાં હોમ આઇસોલેશન દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇ ઓક્સિજન વિતરણની જાહેર વ્યવસ્થા ગોઠવવી જોઇએ. તેવી લાગણી દર્શાવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો