લે બોલ, કુવાડવાના લોકો કહે છે દિપડો દેખાયો, તંત્ર કહે છે નહી.

સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલી દીપડાઓના ત્રાસ વધ્યો હોવાની વ્યાપક ઘટનાઓ બહાર આવી રહી છે. આ દીપડાઓ દ્વારા વિવિધ સ્થળોએ મારણ કરવા ઉપરાંત માનવીઓ ઉપર હુમલા કરવાની ઘટનાઓ પણ બની રહી છે. અને આવી ઘટનાઓના પગલે વનતંત્ર પણ બરાબરનું ધંધે લાગી ગયુંં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને ગઈકાલે ઠાર મરાયો હતો.

આ ઘટનાની હજુ ભુલાણી નથી ત્યાં જ રાજકોટ નજીકના કુવાડવા ગામના લોકોએ દીપડો જોયો હતો અને રાજકોટ જીલ્લા વનતંત્રને એવી ફરીયાદ કરી હતી કે કુવાડવા આસપાસ દીપડો દેખાયો છે. આ ફરીયાદ મળતા જ રાજકોટ જીલ્લા વન તંત્ર પણ બરાબરનું ધંધે લાગી ગયું છે. મોડી રાત સુધી એકાદ ડઝન ટીમોને તપાસ માટે કામે લગાડી દીધી છે. આ ટીમો દ્વારા આજરોજ પણ કુવાડવા વિસ્તારમાં સઘન તપાસણી કરવામાં આવી રહી છે.

કુવાડવાની આજુબાજુમાં દીપડો હોવા અંગેના સંદેશા મળતા તંત્ર દ્વારા રાજકોટ (ઉ.) રેન્જના સ્ટાફને તાત્કાલિક સ્થળ તપાસ માટે મોકલી દીધા હતા અને જયાં દીપડો છે તે વિસ્તારમાં પગપાળા અને વાહનો મારફતે સ્ટાફ તથા ગ્રામજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે આ તપાસ દરમ્યાન દીપડાના પગના નિશાન કે મારણ કે કોઈ અન્ય પુરાવા મળી આવેલ નથી. પરંતુ હાલ વન તંત્રના સ્ટાફ અને મજૂરોને સ્થળ ઉપર આ દીપડા અંગેના કોઈ ફૂટમાર્ક કે અન્ય માહિતી મળે તે માટે પેટ્રોલીંગ ચાલુ રાખવામાં આવેલ છે. હાલ કોઈ દીપડો કે તેમના ફૂટમાર્ક જોવા મળેલ નથી.

આ સમાચારને શેર કરો