મોરબી: પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીના આગોતરા જામીન અરજી ફગાવી
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી શાળામાં થોડા દિવસો પહેલાં શિષ્યવૃતિ માટેની પરીક્ષા લેવામાં આવી રહી હતી ત્યારે ફરજ પર રહેલા સરકારી શાળાના શિક્ષકને મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા શિક્ષક દ્વારા પોલીસ ફરીયાદ કરાતા શિક્ષક પર હુમલો કરનાર શિક્ષક સંઘના આગેવાને મોરબીની કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધો છે.
ગત પહેલી તારીખના રોજ મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ જ્ઞાનપથ શાળાની અંદર શિષ્યવૃતિ માટેની પરીક્ષા લેવામાં આવી રહી હતી ત્યારે સરકારી શાળાના શિક્ષક પ્રહલાદસિંહ જાડેજા તેઓની ફરજની કામગીરી કરી રહ્યા હતા તે સમયે મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો રોહિતભાઈ આદ્રોજાએ પરીક્ષા કેન્દ્ર અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓને રોકવામાં આવતા તેમણે પોતાની ખોટી ઓળખ આપીને પરીક્ષા કેન્દ્રમાં જવા માટે થઈને પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ પ્રહલાદસિંહ જાડેજા સાથે તેઓએ બોલાચાલી કરીને તેઓને માર માર્યો હતો માટે ભોગ બનેલા શિક્ષક પ્રહલાદસિંહ જાડેજાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને ઇન્દીરાનગરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં રોહિતભાઈ આદ્રોજાની સામે ફરિયાદ નોંધાવી હતી.