skip to content

હડતાળ યથાવત: રેવન્યુ સચિવ સાથેની મંત્રણા નિષ્ફળ

ગાંધીનગર ખાતે આજે મહેસુલી કર્મચારીઓની હડતાળના ચોથા દિવસે રાજકોટ સહિત રાજ્યભરનાં તમામ જિલ્લાઓમાંથી 10,000થી વધારે મહેસુલી કર્મચારીઓ ઉમટી પડ્યા હતાં. કર્મચારીઓએ રોષભેર રેલી યોજી ધરણા ને સૂત્રોચ્ચાર કર્યા હતા બાદમાં મહેસુલ સચિવ પંકજકુમારને પાંચ આગેવાનોએ રુબરુ મળી પોતાની માંગ ઉઠાવતું આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ મહેસુલી કર્મચારીઓના પ્રશ્ર્નો પ્રત્યે કોઇ નક્કર નિર્ણય આવ્યો ન હોય કર્મચારી આગેવાનોએ હડતાળ યથાવત રાખી હતી.

રજૂઆત બાદ વિશાળ જાહેરસભામાં કર્મચારી આગેવાનોએ પોતાની માંગ સંદર્ભે મુખ્યમંત્રીને રુબપરુ મળી રજૂઆત કરવાની વાત દોહરાવી હતી અને જ્યાં સુધી મુખ્યમંત્રીને રુબરુ રજૂઆત ન કરે ત્યાં સુધી રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. સાથેસાથે મુખ્યમંત્રી જ્યારે સમય આપે ત્યારે રુબરુ મળી કર્મચારીઓના પ્રશ્ર્ને રજૂઆત કરવામાં આવશે.

રાજ્યભરના મહેસુલી કર્મચારીઓએ રેવન્યુ કામગીરી ખોરવી નાખી છે. મહેસુલી કર્મચારીઓની હડતાળનાં આજે ચોથા દિવસે ગાંધીનગરમાં ઘ-3 રોડથી વિરાટ રોષપૂર્ણ રેલી યોજી હતી અને મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને આવેદનપત્ર આપી સભાગ્રહ છાવણીએ વિશાળ જાહેર સભા યોજી હતી. આ જાહેરસભામાં સરકાર માંગણી નહિ સ્વીકારે તો હડતાળ વધુ જલદ બનાવવાનો નિર્ણય કરી વધુ આક્રમક કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અપાયેલા બેમુદતી હડતાળના એલાનને પગલે આજે સતત ચોથા દિવસે કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા અન્ે કલેક્ટર કચેરી સામે ધરણા યોજીને માગ પૂરી કરવા સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર દ્વારા પડતર માગણીઓ સંદર્ભે કોઇ હકારાત્મક વલણ ન અપનાવતાં મહેસુલી કર્મચારીઓની ગાંધીનગરમાં મહારેલી કરી હતી.જેમાં રાજ્યનાં દરેક જિલ્લામાંથી પ્રમુખ અને કર્મચારીઓ ગાંધીનગર રવાના થયા હતા અને મુખ્યમંત્રી તથા મહેસુલી મંત્રીને રજૂઆત કરી હતી.

મહેસુલી કર્મચારીઓની હડતાળનાં પગલે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકે રાશનકાર્ડ સહિતની વહીવટી કામગીરી ખોરવાઈ રહી છે અને અરજદારોને ધક્કા થઇ રહ્યા છે. રાશનકાર્ડ માટે તંત્ર દ્વારા કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ન કરાતા કાર્ડધારકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો અને દેખાવો યોજાયા હતાં. મોરબી તાલુકા સરપંચ એસો. દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ તલાટીને તલાટી કમ મંત્રીમાં મર્જ કરવા માગ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો