પાટડી પોલીસના 3 પોલીસકર્મી બુટલેગર પાસેથી 20 હજારની લાંચ લેતા ઝડપાયા

પાટડી પોલીસના ત્રણ પોલીસ સ્ટાફ બુટલેગર પાસે રૂ. 20,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પાટડીના બુટલેગર પાસે રૂ. 30,000ની લાંચ માંગી હતી. અને રકઝકના અંતે રૂ. 20,000માં ડીલ થઇ હતી. સુરેન્દ્રનગર એસીબીના હાથે પાટડી પોલીસ મથકના ત્રણેય કર્મીઓ રૂ. 20,000ની લાંચ લેતા ઝડપાયા હતા.

પાટડીના એક બુટલેગર કે જે પાટડી મુકામે દારૂ વેચવાનો ધંધો કરતો હોઇ જે ઇંગ્લિશ દારૂના વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવા દેવા પાટડી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શીવાભાઇ ભાવસીંગભાઇ જાલીસણીયા, આર્મડ લોકરક્ષક દળના પ્રકાશભાઇ રણુભાઇ ખાખડીયા અને પોલીસ કોન્સ્ટેબલ રવિકુમાર કાંતિભાઇ ચાવડાએ બુટલેગર પાસે રૂ. 30,000ની લાંચની માંગણી કરી હતી. અને રકઝકના અંતે આ ડીલ રૂ. 20,000ની પાકી થઇ હતી. અને આ રકમ સોમવારે આપવાનો વાયદો થયો હતો.

પરંતુ પાટડીનો બુટલેગર લાંચ આપવા માંગતો ન હોઇ સુરેન્દ્રનગર એસીબીને જાણ કરતા બુટલેગરના ઘેર છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં પાટડી પોલીસ મથકના પ્રકાશભાઇ ખાખડીયા અને રવિકુમાર ચાવડા રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. સુરેન્દ્રનગર એસીબીની ટીમે ત્રણેય પોલીસ જવાનને લાંચની રૂ. 20,000ની રોકડ રકમ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર એસીબીના આ દરોડામાં પી.આઇ.ડી.વી.રાણા અને સુપર વિઝન અધિકારીમાં રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી.કે.પંડ્યા સ્ટાફ સાથે હાજર હતા. ત્યારે પાટડી પોલીસના ત્રણ પોલીસ સ્ટાફ બુટલેગર પાસે રૂ. 20,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

આ સમાચારને શેર કરો