Placeholder canvas

પાસપોર્ટ વેરિફિકેશનમાં અરજદારને પોલીસ સ્ટેશને બોલાવાશે નહીં: પરિપત્ર

► ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારને મોટી રાહત: પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા સરળ બનાવાઇ

દેશમાં પાસપોર્ટ માટે અરજી કરનાર માટે સૌથી સારા સમાચાર આવ્યા છે. અને રાજ્ય પોલીસ દ્વારા પાસપોર્ટ વેરીફીકેશનની પ્રક્રિયામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા દ્વારા જારી કરાયેલ એક પરિપત્ર મુજબ હવે પાસપોર્ટ અરજદારને પોલીસ વેરીફીકેશન માટે જે તે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે

કે પોલીસે પણ આ પ્રકારના વેરીફીકેશન માટે અરજદારના ઘરે જવાની જરુર નહીં પડે. પોલીસ વડા દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ કે ચોક્કસ કેસ પોલીસને શંકા જતી હોય અથવા તો અરજદારના અસ્તીત્વ અંગે કોઇ પ્રશ્ન હોય તો જ પોલીસ જે તે અરજદારના જાહેર કરાયેલા નિવાસે જઇ ચકાસણી કરશે.

તા.21ના જાહેર કરાયેલા પરિપત્ર મુજબ પાસપોર્ટ અરજદારને વેરિફીકેશન પ્રક્રિયામાં પોલીસ સ્ટેશને જવાની જરુર જ હોતી નથી. પરંતુ સામાન્ય રીતે પોલીસ દ્વારા અરજદારને જે તે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે અને પાસપોર્ટ અરજદાર પણ કોઇ વિવાદ ટાળવા પોલીસ સ્ટેશને જઇને વેરિફીકેશન કરાવી દે છે. પાસપોર્ટ વેરિફીકેશન માટે ફકત અરજદારની નાગરિકતા અને તેની ગુનાહિત પૂર્વ ભૂમિકા કે તેની સામે કોઇપણ પ્રકારના પોલીસ કેસ નોંધાયા હોય તો તેની ચકાસણી કરવાની રહેશે અને તે મુજબ રિપોર્ટ આપવાનો રહેશે.

પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની જરૂર રહેતી નથી. કે સરનામાની ચકાસણી કરવાની પણ રહેતી નથી. છતાં જે તે કિસ્સામાં પોલીસને જરુર જણાય કે પાસપોર્ટ અરજદારને વધુ ચકાસણીની જરુર છે. તો તેવા કિસ્સામાં પોલીસ જે તે અરજદારના નિવાસની મુલાકાત લઇને ચકાસણી કરી શકે છે. પોલીસ વડા દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રનો અમલ કરવા સુચના આપવામાં આવી છે અને પાસપોર્ટ અરજદાર ખોટી રીતે હેરાન ન થાય તે પણ જોવા જણાવાયું છે.

આ સમાચારને શેર કરો