Placeholder canvas

રાજકોટ: એઈમ્સ અને ઝનાના હોસ્પિટલનું PM સમય આપે એટલે ઉદઘાટન…

ગુજરાતભર માટે આરોગ્ય ક્ષેત્રમા ક્રાંતિ લાવનાર રાજકોટ એઈમ્સ હવે તૈયાર થઈ ગયું છે અને કોઇપણ તબક્કે દર્દીઓના ઓપરેશન પણ શરૂ થઈ જશે. આ હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય પાસે સમય માગવામાં આવ્યો છે અને તેઓના હસ્તે ઉદઘાટન કર્યા બાદ દર્દીઓને દાખલ કરવામાં આવશે.

એઈમ્સ રાજકોટ ટૂંક સમયમાં જ આઈપીડી સેવા શરૂ કરશે. આ સેવામાં શરૂઆતમાં 250 બેડની ક્ષમતા હશે અને ચાર ઓપરેશન થિયેટર છે. જે જે દર્દીઓ હાડકાંના રોગથી પીડાય છે અને તેઓ એઈમ્સમાં ઓપીડીમાં આવે છે તેમને સર્જરી બાકી હોય તો પહેલા તેમની કરાશે. આ ઉપરાંત જનરલ સર્જરી અને ગાયનેકમાં પણ નિયમિતપણે જે ઓપીડી ચાલે છે તેઓએ પણ સર્જરી માટે લિસ્ટ બનાવીને રાખ્યું છે આ ઉપરાંત ઈમર્જન્સી સર્જરીની પણ તૈયારી છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ હોસ્પિટલમાં દાખલ ચાર્જ ફક્ત 25 રૂપિયા અને પ્રતિ દિવસ બેડનું ભાડું 20થી 35 રૂપિયા હશે, જ્યારે સર્જરીનો ચાર્જ પણ 1000થી 2000 રૂપિયાથી શરૂ થશે આ ઉપરાંત અલગ અલગ સર્જરીના પ્રકાર મુજબ ચાર્જ હશે. દર્દીઓ પર સારવારના ખર્ચનું ભારણ ન આવે તે માટે સમગ્ર સર્જરી અને સારવારનો ખર્ચ આયુષ્માન કાર્ડ હેઠળ કરવામાં આવે તેવા પણ પ્રયાસો એઈમ્સના તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

એઈમ્સની સાથે જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાની વિચારણા

રાજકોટની નવી જનાના હોસ્પિટલ પણ તૈયાર થઈ ગઈ છે. તેનું લોકાર્પણ વડાપ્રધાન કરે તે માટે સમય મગાયો છે. તેઓ સમય આપે એટલે એઈમ્સની સાથે સાથે જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરી દેવાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ રીતે જોતા રાજકોટ શહેરને એક જ દિવસે એઈમ્સ અને નવી જનાના હોસ્પિટલ કે જેમાં ફક્ત સ્ત્રીરોગ અને પ્રસૂતિ જ નહિ પણ બાળકોની પણ હોસ્પિટલ સમાવિષ્ટ કરી દેવાય છે તેની પણ ભેટ મળશે.

આ સમાચારને શેર કરો