હવે રાજકોટ પણ બેંગ્લોરની હરોળમાં ઉભું રહેશે: આઈટી પાર્કને ટુકમાં મંજૂરી મળશે.

કોરોનાકાળમાં અટવાયેલી દરખાસ્ત આગળ ધપી: રાજકોટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશને નવા રિંગરોડ પર 6 લાખ ફૂટ જમીન માંગી: 3000 આઈટી કંપનીઓ સામેલ થવાનો અંદાજ

હવે રાજકોટ આઈટી કંપની માટેનું હબ બનવાની તૈયારી કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ શહેરમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક તૈયાર થશે જે માટે રાજકોટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન (રીટા) દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. રીટા દ્વારા આઈટી પાર્ક માટે નવા રિંગરોડ પાસે 6 લાખ ચોરસ ફૂટ જમીન ફાળવવાની સરકારને દરખાસ્ત કરી છે.

ચાલુ નાણાકીય વર્ષના અંત પૂર્વે આ દરખાસ્તને સરકાર મંજૂરીની મહોર લગાવી છે તેવી અપેક્ષા છે. રાજકોટના તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના આઈટી સેકટર માટે આ પાર્કની સ્થાપના વિકાસની વિશાળ તક ઉભી કરશે કે જેનું વાર્ષિક ટર્નઓવર હાલ રૂા.4000 કરોડ છે. સાથોસાથ આ બિઝનેસ 30 ટકાના દરે વધી રહ્યો છે.

આઈટી સેકટરની લોકડાઉનમાં કેવી પરિસ્થિતિ હતી તે બાબતે મળેલી માહિતી પ્રમાણે કોરોનાકાળમાં લોકડાઉન સમયે અનેક વ્યવસાયો અને નોકરી-ધંધાને ફટકો પડયો હતો. જ્યારે આઈટી કંપનીએ આ મુશ્કેલ સમયમાં પણ જબરદસ્ત બિઝનેસ કર્યો હોવાનું સામે આવ્યું છે. લોકડાઉન આફતને અવસરમાં પલટાવી આઈટી સેન્ટરમાં વર્કફ્રોમ હોમ દ્વારા અનેકગણા કામ થયા હતા જેથી આઈટી ઉદ્યોગનો પૂરપાટ ગતિએ વિકાસ થયો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, રીટા દ્વારા લાંબા સમયથી રાજકોટમાં આઈટી પાર્ક ફાળવણીની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં રીટાના અધિકારીઓ જ્યાં દરખાસ્તને આગળ ખસેડવામાં સક્ષમ નહોતા છેવટે લગભગ બે મહિના પૂર્વે રાજકોટને આઈટી પાર્ક ફાળવવાની દરખાસ્ત ગુજરાત ઈન્ફોર્મેશન લિમિટેડ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની નોડલ એજન્સીને સોંપવામાં આવી હતી ત્યારે હવે ટૂંક સમયમાં પાર્કની ફાળવણીનો નિર્ણય લેવામાં આવશે. રાજકોટમાં આઈટી સેકટર માટે માળખાગત સુવિધા ઉભી થતા અનેક ક્ષેત્રે સૌરાષ્ટ્ર વિકાસના આકાશને આંબશે તેમજ આઈટી હબ બનવાની દિશામાં પગલાં ભરશે.

આ સમાચારને શેર કરો