આજે 23 જાન્યુઆરી એટલે “નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી”
“તુમ મુજે ખૂન દો મેં તુમ્હેં આઝાદી દુંગા” – સુભાષબાબુ
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897નાં રોજ ઓરિસ્સાનાં કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરનાં પ્રખ્યાત વકીલ હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ 14 સંતાનો હતાં, જેમા 6 છોકરીઓ અને 8 છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમાં પુત્ર હતાં. સુભાષબાબુને પોતાના બધા ભાઈઓમાંથી સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને ‘મેજદા’ કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું. બાળપણમાં સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતાં. દેશ માટે મરી મીટવાની તેમની અંદરની ભાવના પાઠશાળાનાં દિવસોમાં જ તેમના શિક્ષક વેણીમાધવ દાસ દ્વારા ઉજાગર કરાઈ હતી. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં રહેલ અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી. 25 વર્ષની ઉંમરે તેઓ ઘરેથી ભાગીને ગુરુની શોધમાં હિમાલય ચાલ્યા ગયા હતા પરંતુ ત્યારબાદ તેઓ સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચી તેમનાં શિષ્ય બની ગયા.
તેમની દેશ માટેની લડતની શરૂઆત કોલેજકાળથી જ શરુ થઈ ગઈ હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજનાં અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન હતો. આ માટે સુભાષચંદ્ર બોઝનાં નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી. બોઝને 1921 માં ઈંગ્લેંડમાં તેઓ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં સફળ રહ્યાં પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં. તેમણે ભારતનાં લોકોમાં “તુમ મુજે ખૂન દો મેં તુમ્હેં આઝાદી દુંગા” સૂત્ર આપીને ભારતનાં લોકોમાં આઝાદી માટેની ભૂખ અને જોશ જગાડ્યા હતા. ઘણા વર્ષો પહેલા હિટલરે “માઈન કામ્ફ” નામક પોતાનું આત્મચરિત્ર લખ્યું હતું . આ કિતાબમાં એમણે ભારત અને ભારતીય લોકોની બુરાઈ કરી હતી. આ વિષય પર સુભાષબાબૂએ હિટલર સમક્ષ પોતાની નારાઝગી વ્યક્ત કરી ત્યારે હિટલરે પોતાના કાર્ય પર માફી માંગી અને “માઈન કામ્ફ”ની આવનારી આવૃત્તીમાંથી એ પરિચ્છેદ કાઢી નાખવાનું વચન દીધું. એમને જર્મનીમાં ‘ભારતીય સ્વતંત્રતા સંગઠન’ અને ‘આઝાદ હિંદ રેડિયો’ની સ્થાપના કરી. એ જ વખતે સુભાષબાબૂ, “નેતાજી” નામથી જાણીતા થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી 18 ઓગસ્ટ, 1945 ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા ત્યારબાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.
23 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાન ની ‘દોમેઈ’ ખબર સંસ્થાએ દુનિયાને ખબર આપી, કે 18 અગસ્ત 1945નાં રોજ, નેતાજીનું હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા નેતાજીને અસ્પતાલમાં લઈ જવાયા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો. દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા. એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની ટોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી. હકીકતમાં 18 ઓગસ્ટ, 1945નાં દિવસે નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું આ ભારતનાં ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે. નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. – મિત્તલ ખેતાણી