Placeholder canvas

ઓ ગોડ… ભારતમાં એક જ વર્ષમાં કેન્સરને કારણે 9 લાખથી વધારે મોત!

  • વર્ષ 2022માં ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસ નોંધાયા
  • કેન્સરને કારણે 9.1 લાખથી વધુ લોકોના મોત થયા

વિશ્વભરમાં કેન્સરના વધતા જોખમ વિશે લોકોને જાગૃત અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.

એક રિપોર્ટ્સ અનુસાર લગભગ દરેક ઉંમરના લોકોને કેન્સર હોવાનું નિદાન થઈ રહ્યું છે. વર્ષ 2022માં ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને આ રોગને કારણે 9.1 લાખથી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં સૌથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ રોગના વૈશ્વિક જોખમ પર જાહેર કરાયેલા ડેટામાં દેશમાં કેન્સરના વધતા જોખમોને લઈને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

WHOની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ અહેવાલ આપ્યો છે કે, ભારતમાં દર વર્ષે આ રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, યુવાનો પણ આ રોગનો ભોગ બની રહ્યા છે. જીવનશૈલી અને આહારમાં વિક્ષેપ સાથે જીનેટિક્સ અને પર્યાવરણીય પરિબળોને કારણે, કેન્સરનું જોખમ અને તેના કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે.

આ કેન્સરની સૌથી વધુ ઘટનાઓ
રિપોર્ટ અનુસાર હોઠ, મૌખિક પોલાણ અને ફેફસાના કેન્સરના સૌથી સામાન્ય કેસ પુરુષોમાં જોવા મળે છે, જ્યારે સ્તન અને સર્વાઇકલ કેન્સરના સૌથી સામાન્ય કેસ સ્ત્રીઓમાં જોવા મળે છે. નવા કેન્સરના કેસોમાંથી 27 ટકા કેસો સ્તન કેન્સર તરીકે જોવામાં આવ્યા છે જ્યારે 18 ટકા કેસ સર્વાઇકલ કેન્સર તરીકે જોવામાં આવ્યા છે. રિપોર્ટમાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આગામી 5 વર્ષમાં વધુ લોકોને કેન્સર હોવાનું નિદાન થઈ શકે છે.

કેન્સરનું કેટલું જોખમ ?
વૈશ્વિક સ્તરે એજન્સીએ 20 મિલિયન નવા કેન્સર કેસ અને 97 લાખ મૃત્યુનો અંદાજ મૂક્યો છે. અહેવાલ જણાવે છે કે, લગભગ 5 માંથી 1 વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવશે અને આશરે 9માંથી 1 પુરૂષ અને 12 માંથી 1 સ્ત્રી આ રોગથી મૃત્યુ પામશે.

આ કેન્સરથી મૃત્યુનું વધુ જોખમ
કેન્સર ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ફેફસાનું કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે (કુલ નવા કેસોના 12.4 ટકા) અને કેન્સરના મૃત્યુનું મુખ્ય કારણ છે. આ કુલ કેન્સર મૃત્યુના લગભગ 19 ટકા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, એશિયામાં તમાકુ વધુ પડતા સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ ઝડપથી વધી ગયું છે. IARCએ શોધી કાઢ્યું છે કે. વિશ્વભરમાં મહિલાઓમાં સ્તન કેન્સર એ બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે.

સર્વાઇકલ કેન્સરના વધતા જોખમો અંગે ચેતવણી
ઓગસ્ટ 2020માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ સર્વાઇકલ કેન્સરને દૂર કરવા માટે વૈશ્વિક વ્યૂહરચના અપનાવી. હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) સામે છોકરીઓને 15 વર્ષની ઉંમર પહેલા રસી આપવી અને 35 વર્ષની ઉંમર સુધીમાં 70 ટકા મહિલાઓની તપાસ કરવાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે, સંશોધકોએ જણાવ્યું હતું. WHOએ જણાવ્યું હતું કે સમયસર ઓળખ, સ્ક્રીનીંગ અને સારવારની સાથે જીવનશૈલી-આહાર સુધારણા વિશ્વભરમાં કેન્સરના વધતા જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ એક ગંભીર રોગ છે જેના વિશે દરેકને સતત સાવચેત રહેવાની જરૂર છે.

કોને હોય છે વધારે ખતરો?
એક્સપર્ટ્સ અનુસાર સર્વાઈકલ કેન્સરનો ખતરો કમજોર ઈમ્યૂનિટી વાળી મહિલાઓને વધારે હોય છે. તેના ઉપરાંત એચઆઈવી સંક્રમણ, મલ્ટીપલ સેક્સુઅલ પાર્ટનર, જેનેટલ હાઈઝીનની કમી અને નાની ઉંમરમાં બાળકો હોય તેવી મહિલાઓ પણ તેનો શિકાર વધારે થાય છે. સ્મોકિંગ કરવાથી પણ સર્વાઈકલ કેન્સરનો ખતરો વધી શકે છે. 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓને તેનાથી બચવા માટે સમય સમય પર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. સર્વાઈકલ કેન્સરની જાણકારી પ્રી-કેન્સરસ સ્ટેજમાં પણ થઈ શકે છે અને તેને સારવાર દ્વારા ઠીક કરી શકાય છે.

આ સમાચારને શેર કરો