Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવા કુલપતિ માટે 20થી વધુ મુરતિયા મેદાનમાં


રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવસિટીના કુલપતિ ડો. નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીની ટર્મ આગામી તા. 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે જેને આડે હવે માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા હોય યુનિવર્સિટીના નવા કુલપતિની પસંદગી કરવા માટે સર્ચ કમિટીની ગઇકાલે બીજી મીટીંગ મળી હતી જેમાં 20થી વધુ મૂરતીયાઓનાં બાયોડેટાની તપાસણી કરવામાં આવી હતી.

અહીં એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિપદનો તાજ મેળવવા માટે અનેક દાવેદારો મેદાનમાં છે. આ દાવેદારોએ એડીચોટીનું જોર લગાવી ગાંધીનગર સુધી લોબીંગ કરી રહ્યા છે. જો કે કુલપતિ પદનો તાજ ભાજપ-સંઘની સાથે સંકળાયેલા શિક્ષણશાસ્ત્રીના શિરે જ મુકાશે તે વાસ્તવિકતા છે. કુલપતિના પદ માટે અગાઉ યુનિવર્સિટી દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી બાયોડેટા (અરજીઓ) મંગાવવામાં આવી હતી.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તેમજ આંતરરાજ્યની વિવિધ વિશ્ર્વ વિદ્યાલયોમાંથી શિક્ષણશાસ્ત્રીઓએ કુલપતિ પદનો તાજ મેદાનમાં આવી અરજીઓ કરી હતી. આ અરજીઓની તપાસણી ગઇકાલે મળેલી સર્ચ કમિટીની ખાસ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠક બાદ સર્ચ કમિટીની હજુ પણ એક બેઠક આગામી દિવસોમાં યોજાવાની સંભાવના રહેલી છે.

જે બાદ ત્રણ મુરતીયાના નામની પસંદગી કરી પેનલ રાજ્યપાલને બંધ કવરમાં રવાના કરવામાં આવનાર છે. જો કે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદનો તાજ ભાજપ અને સંઘ સાથે જોડાયેલા શિક્ષણશાસ્ત્રીઓને શિરે જ મુકવામાં આવનાર હોય હવે આ પદ માટે કોની પસંદગી કરાઈ છે તે અંગે ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે ઉત્સુકતા છવાઈ જવા પામી છે.

આ સમાચારને શેર કરો