Placeholder canvas

મોરબી જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નોમાં અધિકારીઓને નક્કર કામગીરી કરવા તાકીદ કરાઈ

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન બેઠકમાં ધારાસભ્યએ મોરબી જિલ્લાના ગામડામાં પીવાના પાણીની સમસ્યા દુર કરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સુચનો કર્યા હતા. ઉપરાંત સનાળા રોડ પર ભરાઇ જતા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન મુકીને યોગ્ય વ્યવસ્થા કરવા તથા મોરબીના લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

હાલ મોરબીના વિવિધ વિસ્તારમાં બંધ થયેલ પોસ્ટઓફિસ ફરી શરૂ કરવા પણ જણાવ્યું હતું. તમામ ધારાસભ્યશ્રીઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી. જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી દ્વારા અનુસુચિત જાતિના લોકોને પ્લોટ આપવા માટે રજુઆત કરાઈ હતી. વધુમાં આ બેઠકમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘનશ્યામનગરમાં પ્રાથમિક શાળાના નવા મકાન બાબતે યોગ્ય કાર્યવાહી કરવા, જમીન માપણીના વિવિધ પ્રશ્નો, આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર, જિલ્લાના વિવિધ માર્ગો પરના દબાણો હટાવવા તથા ભવિષ્યની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ મોરબીમાં નિર્માણાધિન એરપોર્ટના પ્લાનમાં જરૂરી તમામ ફેરફાર કરવા વગેરે જેવા વિવિધ પ્રશ્નોની રજૂ કર્યા હતા.

આ સમાચારને શેર કરો