Placeholder canvas

દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે પણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી: ગુજરાત, રાજસ્થાન અને ઉતરપુર્વના રાજયમાં ચોમાસુ ઘટમાં રહેવાનો સંકેત

દેશમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા છે પરંતુ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજયો માટે ચિંતાના સમાચાર છે અને આજે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા આગામી વર્ષના ચોમાસા અંગે આપવામાં આવેલી પ્રથમ આગાહીમાં ગુજરાતમાં ચોમાસામાં ખાધ રહે તેવી શકયતા દર્શાવાઈ છે. દેશમાં કોરોના કાળ પછી એક તરફ વ્યાપાર-ધંધાને વેગ મળી રહ્યો છે તે સમયે સ્કાયમેટ દ્વારા જૂનથી સપ્ટેમ્બરની લાંબાગાળાની આગાહી આજે જાહેર કરવામાં આવી છે અને જણાવાયું છે

કે દેશમાં સરેરાશ 881 મીલીમીટર વરસાદ ચાર માસમાં પડશે અને નૈઋત્યનું ચોમાસુ 96 થી 104 ટકા વચ્ચે રહેવાની ધારણા છે. જયારે આગાહીમાં વધુમાં જણાવાયું છે કે ભૌગોલિક રીતે જોખમમાં રાજસ્થાન, ગુજરાતમાં ચોમાસામાં ખાધ રહે તેવી ધારણા છે. તેમની સાથે નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ચોમાસામાં ખાધ રહેશે. સ્કાયમેટની આગાહીએ ગુજરાતની ચિંતા વધારી દેશે તે ચોકકસ છે. રાજયમાં છેલ્લા ત્રણ સોમાના સંતોષકારક રહ્યા છે. પરંતુ પ્રથમ વખત ખાનગી હવામાન એજન્સીએ ખાધની આગાહી કરતા હવે હવામાનખાતુ સતાવાર રીતે આગાહી કરે તેની રાહ જોવાશે.

સ્કાયમેટની આગાહીમાં એ પણ જણાવાયું છે કે જુલાઈ અને ઓગષ્ટ માસ દરમ્યાન કેરેલા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વરસાદ છુટોછવાયો જોવા મળશે પરંતુ પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ અને ઉતર ભારતના રાજયો ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની ધારણા છે. સ્કાયમેટ એ જણાવ્યું છે કે 65 ટકા ચાન્સ ચોમાસુ સામાન્ય રહેવાના છે. 25% ચાન્સ ચોમાસુ ખાધવાળુ અને 10% ચાન્સ ચોમાસુ સામાન્યથી વધુ રહેશે. પરંતુ 2022ને દુષ્કાળનું વર્ષ ગણી શકાય તેવું ચોમાસુ નહી હોય.

સ્કાયમેટની આગાહીમાં જણાવાયું છે કે છેલ્લા બે ચોમાસામાં લા-નીના ફેકટરના કારણે સારો વરસાદ થયો હતો અને આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભે લા-નીના ફેકટર સક્રીય હશે. જેના કારણે અલ-નીનો ફેકટર સર્જાવાની શકયતા નહીવત છે અને તેથી ભારતના ચોમાસા પર તેની અસર થશે નહી. તેમ છતાં આ વર્ષનું ચોમાસુ થોડુંક છુટાછવાયા વરસાદ તો થોડુક સતત વરસાદના કારણે અસાધારણ રહેશે તેવુ મનાય છે. અત્યાર સુધીના કોઈપણ ફેકટરમાં ચોમાસાના એકંદરે નેગેટીવ ફેકટર જોવા મળ્યા નથી.

આ સમાચારને શેર કરો